અમરેલીના ભીલાગામની સીમમાં ખેતરમાં કામ કરતી વખતે એક ૧૯ વર્ષીય યુવતીનું થ્રેસરમાં ચુંદડી આવી જવાથી ગંભીર ઈજા બાદ સારવારમાં મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસને જાણ કર્યા વગર કે પોસ્ટમોર્ટમ કરાવ્યા વગર લાશની અંતિમવિધિ કરી નાખી ગુનાહિત માહિતી છુપાવી હોવાનો આક્ષેપ થયો હતો.
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના વતની ભંગડા રામસિંહ મેડા અમરેલીના ખીજડીયા (રાદડીયા) ગામના અશોકભાઈ મોહનભાઈ સાવલીયાની વાડીએ ભાગીયું રાખતા હતા. ગત તા. ૨૪/૧૦/૨૦૨૫ ના રોજ બપોરના સમયે ભીલાગામની સીમમાં થ્રેસરમાં મગફળી કાઢવાનું કામ ચાલતું હતું. આ સમયે ૧૯ વર્ષીય શાહબાઈ થ્રેસર પર કામ કરતા માણસોને પાણી આપવા ગઈ હતી. કમનસીબે તેની ચુંદડી થ્રેસરના પંખામાં આવી જતાં તે ખેંચાઈ ગઈ હતી અને પંખા પાસેની લોખંડની એંગલ તેના ગળાના પાછળના ભાગે વાગતા તે ગંભીર રીતે ઘવાઈ હતી. યુવતીને તાત્કાલિક અમરેલી સિવિલ અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલના ICU વોર્ડમાં ખસેડવામાં આવી હતી. રાજકોટથી વધુ સારવાર માટે પરિવારજનો તેને વતન (મધ્યપ્રદેશ) લઈ જઈ રહ્યા હતા, ત્યારે તા. ૩૦/૧૦/૨૦૨૫ ના રોજ વહેલી સવારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ કિસ્સામાં ચોંકાવનારી બાબત એ છે કે, કાયદેસર રીતે અકસ્માતે મોતના કિસ્સામાં પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત હોવા છતાં, પીએમ કરાવ્યા વગર જ લાશની અંતિમવિધિ કરી નાખી હતી. પોલીસ સમક્ષ યુવતીના મોત અંગેની માહિતી જાહેર કરવાને બદલે તે છુપાવીને એકબીજાની મદદગારી કરી ગુનો આચરવામાં આવ્યો હતો. અગાઉ અમરેલી તાલુકા પોલીસ મથકે આ અંગે જાણવા જોગ નોંધાઈ હતી, પરંતુ હવે માહિતી છુપાવવા બદલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.