મહેસાણા જિલ્લામાં સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વરચંદને ડાયરાના કાર્યક્રમમાં બુટલેગરો સાથે જાવા મળતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયા બાદ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, જાટાણા તાલુકાના કટોસણ ગામમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વરચંદ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં કેટલાક બુટલેગરો પણ હાજર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં ડાયરાના મંચ પર પીઆઇ એમ.એમ. વરચંદ પર નોટોનો વરસાદ કરવામાં આવતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી ફેલાતા પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ હતી.
વિડિયો સામે આવ્યા બાદ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ પ્રાથમિક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન પોલીસ અધિકારીના વર્તનને અનુકૂળ ન ગણાતા પીઆઇ એમ.એમ. વરચંદને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તંત્રના સૂત્રો મુજબ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના આધારે આગળની વિભાગીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.









































