વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આગામી તા. ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ અજમેર, રાજસ્થાનથી ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવનાર છે. આ રાષ્ટ્રીય અભિયાનના અનુસંધાને ગુજરાતમાં પણ આ રસીકરણની શરૂઆત કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સર્વાઈકલ કેન્સરને જડમૂળથી ખતમ કરવાનો છે, જે ભારતમાં મહિલાઓને થતું બીજું સૌથી સામાન્ય કેન્સર ગણાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયની યોજના મુજબ, આ અભિયાનના પ્રથમ તબક્કામાં ૧૪ વર્ષની શાળામાં અભ્યાસ કરતી કિશોરીઓને આવરી લેવામાં આવશે. આ વેક્સિનેશન પ્રક્રિયા વિવિધ શાળાઓ અને સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રોના માધ્યમથી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર, ૧૪ વર્ષની વયમાં આ વેક્સિન લેવાથી HPV સામે સૌથી અસરકારક સુરક્ષા મળે છે. નોંધનીય છે કે સર્વાઈકલ કેન્સરના લગભગ ૯૦ ટકા કેસો આ HPV વાયરસના સંક્રમણને કારણે જ થાય છે. દેશમાં કેન્સરની સ્થિતિ અંગેના આંકડા જોઈએ તો, દર વર્ષે સર્વાઈકલ કેન્સરના અંદાજે ૧.૨૫ લાખ નવા કેસ નોંધાય છે અને લગભગ ૭૫,૦૦૦ મહિલાઓ આ બીમારીને કારણે મૃત્યુ પામે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. એમ. જોષીની યાદીમાં જણાવાયું છે કે, નિયમિત સ્ક્રીનીંગ અને સમયસર વેક્સિન લેવાને કારણે આ જીવલેણ બીમારીને સંપૂર્ણપણે રોકી શકાય છે.