અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પકડવા માટે ચાલી રહેલા ખાસ અભિયાન અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG)ને મોટી સફળતા મળી છે. એ.ટી.એસ. ચાર્ટર મુજબ રાજ્યમાં ગંભીર ગુનાઓ રોકવા માટે અપાયેલી સૂચનાઓને પગલે એસ.ઓ.જી. પીઆઇ આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ અમરેલી તાલુકામાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે માંડવડા ગામના સીમ વિસ્તારમાં એક શખ્સ પાસે હથિયાર છુપાયેલું છે. બાતમીના આધારે પોલીસે માંડવડાથી સનાળીયા જવાના રસ્તે આવેલી એક વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ૪૫ વર્ષીય ખેડૂત સાયરભાઈ કાળુભાઈ ગોરીને એક દેશી બનાવટની જામગરી બંદૂક સાથે રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પકડાયેલ આરોપી સાયરભાઈ અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની વિરૂધ્ધ દારૂબંધીના કુલ ૧૫ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલમાં આરોપી વિરુદ્ધ હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.







































