અમરેલી વર્તુળ કચેરી હેઠળ આવતા રાજુલા ટાઉન અને રૂરલ તેમજ ખાંભા સબ ડિવિઝન વિસ્તારમાં આજે વીજ કંપની દ્વારા મેગા વિજિલન્સ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. વીજચોરી ડામવાના આશય સાથે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ ૩૩ ટુકડીઓએ દિવસભર સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. તંત્ર દ્વારા કુલ ૪૮૦ વીજ કનેક્શન્સનું બારીકાઈથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૮૫ કનેક્શન્સમાં ગંભીર ગેરરીતિ અને વીજચોરી માલૂમ પડી હતી. આ કિસ્સાઓમાં વીજ અધિનિયમની કલમ હેઠળ કાર્યવાહી કરી, અંદાજિત રૂ.૪૭.૯૧ લાખના પૂરવણી બિલ ફટકારવામાં આવ્યા છે. વીજ તંત્રની કડક કામગીરીને કારણે વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.