બાબરા તાલુકાના ખાનપર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી ગંભીર માનસિક બીમારી સામે ઝઝૂમી રહેલી એક પરિણીતાએ બીમારીથી કંટાળી જઈ એસિડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. સંજયભાઇ રાઘવભાઇ સરવૈયા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, મનિષાબેન અશ્વિનભાઇ સાકરીયા (ઉ.વ.૩૦) આશરે ત્રણ વર્ષથી માનસિક બીમારીથી પીડાતી હતી. અનેક સારવાર છતાં બીમારીમાં સુધારો ન આવતા તે માનસિક રીતે ભાંગી પડી હતી. આ બીમારીના કંટાળામાં તેણે અંતિમ પગલું ભરતા ઘરમાં રહેલું એસિડ પી લીધું હતું. એસિડ પીવાને કારણે પરિણીતાની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં એસિડની ઝેરી અસરને કારણે ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પરિણીતાના આ પગલાથી તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે સી સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે. લાઠીના નારાયણનગર ખાતે રહેતા જગદીશભાઈ મકવાણા (ઉ.વ.૪૪)એ જાહેર કર્યા મુજબ, અનિલભાઈ રમેશભાઈ મકવાણા (ઉ.વ.૪૦) પાણીની બોટલ ભરવા જતા તબિયત બગડી જતાં પાણીના ખાડામાં મોઢું ડૂબી જતાં મરણ પામ્યા હતા.








































