અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ૨૫ વર્ષીય યુવતી દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવી છે. ફરિયાદ મુજબ ચાર સંતાનોના પિતા અને સરકારી કચેરીમાં કામ કરતા એક વ્યÂક્તએ યુવતીને પ્રેમના નામે ભોળવી અને વિવિધ સ્થળોએ લઈ જઈ તેના સાથે શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
યુવતીના પિતા તાલુકા પંચાયત કચેરી નજીક ચાની દુકાન ચલાવે છે. ત્યાં આવતાં-જતાં આરોપી સાથે ઓળખાણ થઈ હતી. ફરિયાદ મુજબ આરોપીએ પોતે અવિવાહિત હોવાનો ભાસ ઉભો કર્યો અને યુવતી સાથે નજીકનો સંબંધ બનાવ્યો.
ફરિયાદ અનુસાર આરોપી યુવતીને અલગ-અલગ શહેરોમાં લઈ ગયો હતો. મુસાફરી દરમિયાન હોટેલોમાં રોકાણ કરી યુવતીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. બાદમાં અમદાવાદમાં મૈત્રી કરાર કરાવ્યાની પણ વાત સામે આવી છે.
યુવતીએ લગ્ન અંગે વાત કરતા આરોપીએ પોતે પરિણીત અને ચાર સંતાનોનો પિતા હોવાનું જણાવ્યું અને લગ્નથી ઈન્કાર કર્યો. સાથે જ ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. ઘટનાથી ગભરાયેલી યુવતી પછી પરિવારની મદદથી પોલીસ સુધી પહોંચી.
યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી. કોર્ટમાં રજૂઆત બાદ તેને મોડાસા સબજેલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.








































