વેસુની ‘હેપી એલિગન્સ’ બિલ્ડીંગ માં બાલમુકુન્દ ખેતાને પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. જેમાં બાલમુકુન્દ, તેમની પત્ની તથા એક માસૂમ દીકરીનું મોત નીપજ્યું હતું. જ્યારે એક પુત્રીનો બચાવ થયો છે. બાલમુકુન્દ ખેતાન ઘરે બેસીને જ શેરબજારની કામગીરી કરતા હતા. આ સામૂહિક આપઘાત બાદ મળેલી અંતિમ ચિઠ્ઠી પરથી વૈભવ રૂંગટા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વૈભવ રૂંગટાની દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસને મળેલી સુસાઇડ નોટમાં વૈભવ રૂંગટા માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અલથાણામાં રહેતા રૂંગટાએ બાલમુકુંન્દનું મોપેડ પડાવી લીધું હતું અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતો હતો અને તેનું પેમેન્ટ ખેતાન પરિવારે ચૂકવવું પડતું હોવા સહિતની કેટલીક ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ પણ અંતિમ ચિઠ્ઠીમાં કરાયો છે. જેથી પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. જાકે, પરિવારના અત્યંતિક પગલાની જાણ થતા પડોશી અને સંબંધીઓ દોડી આવ્યા ત્યારે વૈભવ ત્યાં જ હાજર હતો. પરંતુ પોતાનું નામ આવશે તેવું જણાતા તે ધીરે રહીને જતો રહ્યો હતો.
વૈભવ રૂંગટાને ગુરુવારે મોડી રાતે વેસુ પોલીસે દિલ્હી પોલીસની મદદથી ઝડપી પાડ્યો છે. દિલ્હી કોર્ટ સમક્ષ ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરવાની સાથે સુરત કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. જેથી વૈભવ સુરત કોર્ટમાં હાજર થાય ત્યાર બાદ તેનો કબજા મેળવી પૂછપરછ કરવામાં આવશે.
નોંધનીય છે કે, બાલમુકુન્દ ખેતાન, તેમની પત્ની અને બે માસૂમ દીકરીએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકોનાં મોત જ્યારે પરિવારની બીજી નાની દીકરીનો આબાદ બચાવ થયો છે.
મૃતક બાલમુકુન્દ મૂળ બિહારના વતની હતા અને છેલ્લા બે વર્ષથી સુરતમાં ઘરેથી જ શેરબજારનું કામ કરતા હતા. પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાત પાછળના જવાબદાર કારણો અને વ્યકિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના શખ્સનું નામ સામે આવ્યું છે. આરોપી વૈભવ રુંગટા મૃતક બાલમુકુન્દને રૂપિયા માટે સતત ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ છે. આરોપીએ મૃતકનું વાહન અને ક્રેડિટ કાર્ડ પણ બળજબરીથી પડાવી લીધા હતા. આરોપીએ બાલમુકુન્દના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બિનજરૂરી શોપિંગ પણ કરી હતી, જેના કારણે પરિવાર પર આર્થિક બોજ વધી ગયો હતો.