સુરતના ગજેરા બંધુ વિરુદ્ધ ૧૯૮૦ કરોડની છેતરપિંડી ફરિયાદ મામલે ગજેરા બંધુઓને હાલ પૂરતી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ધરપકડ પર હાલ પૂરતી રોક લગાવી છે. ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે. બે અઠવાડિયામાં હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટિશન કરી શકશે.
સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા બંધુઓને કરોડો રૂપિયાના ફોર્જરી કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગજેરા બંધુઓ સામે ફરિયાદ દાખલ કરવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ પિટીશન ગ્રાહ્ય રાખીને નિર્દેશ આપ્યો છે કે, આગામી ૨ અઠવાડિયા સુધી પોલીસ આરોપીઓ સામે કોઈ પણ પ્રકારના વિશેષ કે કડક પગલાં લઈ શકશે નહી.
કેસની વિગતો મુજબ શાંતિ રેસિડન્સી પ્રા.લિ. અંતર્ગત ફરિયાદી પ્રવીણ અગ્રવાલ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી. જે અંતર્ગત હાઈકોર્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરાયો હતો. બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગજેરા બંધુઓ સામે છેતરપિંડી અને મની લોન્ડરિંગની કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી હતી. ગજેરા બંધુઓએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશ સામે પિટિશન કરી હતી.
આ સુનાવણી દરમિયાન આરોપીઓ વતી દેશના દિગ્ગજ એડવોકેટ્સ અભિષેક મનુ સિંઘવી અને મુકુલ રોહતગી દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, નીચલી અદાલતે કેસના મહત્વના પાસાંઓને ધ્યાને લીધા નથી. સુપ્રીમ કોર્ટે આરોપીઓને પોતાની રજૂઆત કરવા માટે સમય આપતા જણાવ્યું છે કે, તેઓ આગામી ૨ અઠવાડિયામાં હાઈકોર્ટમાં ‘ક્વોશિંગ’ એફઆઇઆર રદ કરવાની અરજી દાખલ કરી શકે છે. આ ૨ અઠવાડિયાના સમયગાળા દરમિયાન આરોપીઓને ધરપકડ સામે સુરક્ષા આપવામાં આવી છે, જેથી તેઓ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી શકે. આ ચુકાદાથી ગજેરા પરિવારને હાલ પૂરતી મોટી શાંતિ મળી છે.









































