કર્ણાટકના યાદગીર જિલ્લામાં સ્વઘોષિત ધર્મગુરુ મલ્લીકાર્જુન મુત્યા વિરુદ્ધ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોસ્કો) કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેને એક સગીર છોકરી સાથે અભદ્ર વર્તન કરતો દર્શાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, પોલીસે કેસ નોંધ્યો હતો.
વાયરલ વીડિયોમાં કથિત ધર્મગુરુ સાત વર્ષની બાળકી સાથે અભદ્ર કૃત્ય કરતો જાવા મળે છે. કર્ણાટક રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે આ બાબતની નોંધ લીધી છે અને યાદગીર પોલીસને કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઘટના ૧૯ ફેબ્રુઆરીના રોજ મહાલ રોજા ગામમાં બની હતી, જ્યાં યમનુરપ્પા મુત્યા મઠ સ્થિત છે. મૂળ મહારાષ્ટ્રના સોલાપુરની રહેવાસી સગીર છોકરી તેના પરિવાર સાથે મઠની મુલાકાત લીધી હતી.
વીડિયોમાં શાહપુર તાલુકાના રોજા મેહલ ગામના રહેવાસી બાબા મલ્લીકાર્જુન મુત્યા મઠની અંદર સગીર સાથે વાત કરતા દેખાય છે. કમિશનની સૂચનાને અનુસરીને, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીઓએ આશ્રમની મુલાકાત લીધી અને છોકરી અને તેના માતાપિતાના નિવેદનો નોંધ્યા. માતાપિતાએ દાવો કર્યો કે તેમણે વિડિઓ રેકોર્ડ કર્યો છે. જાકે, કાઉન્સેલિંગ પછી, બાળ કલ્યાણ સમિતિએ અવલોકન કર્યું કે છોકરી વિડિઓમાં અસ્વસ્થ દેખાતી હતી અને કેસ દાખલ કરવાની ભલામણ કરી.
યાદગીર પોલીસે કથિત ધર્મગુરુને નોટિસ ફટકારી છે. માતા-પિતા અને છોકરીએ પોતાના નિવેદનો નોંધ્યા છે. વીડિયોમાં છોકરી અસ્વસ્થ દેખાઈ રહી છે. કાઉન્સેલિંગ પછી, બાળ કલ્યાણ સમિતિએ એફઆઇઆર દાખલ કરવાની ભલામણ કરી. પોલીસે પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.









































