ગીર સોમનાથ જિલ્લામાં સગીર વયની ભોગ બનનારના અપહરણના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડવા માટે કોડીનાર પોલીસે સફળ કામગીરી કરી છે. ઘટનાની વિગત મુજબ, કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગત તા.૨૭/૦૮/૨૦૨૫ના રોજ નોંધાયેલ ફરિયાદ મુજબ, એક સગીર વયની દીકરીને કોઈ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવીને અપહરણ કરી ભગાડી ગયો હતો. આ મામલે કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ અને સીડીઆર  ડિટેઇલના આધારે જાણવા મળ્યું હતું કે કોડીનારનો વતની વશરામ ઉર્ફે આર્યન અરશીભાઇ ચૌહાણ સગીરાને ભગાડી ગયો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ જાદવ દ્વારા કરવામાં આવેલ ટેકનિકલ એનાલિસિસમાં આરોપી અને ભોગ બનનાર રાજુલા તાલુકાના મોટા અગરીયા ગામ વિસ્તારમાં હોવાનું લોકેશન મળ્યું હતું. આ આધારે પોલીસની એક ટીમ તાત્કાલિક રાજુલા મોકલવામાં આવી હતી અને આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢી હસ્તગત કરવામાં આવ્યા હતા. હાલ આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.