લાઠી તાલુકાના ચાવંડ ગામ પાસે ગૌરક્ષકો અને પોલીસ દ્વારા પશુ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. લાઠીના ગૌરક્ષકોને મળેલી ચોક્કસ બાતમીના આધારે પશુઓની ગેરકાયદેસર હેરાફેરી અટકાવી કતલખાને લઈ જવાતા પશુઓને જીવતદાન અપાયું છે. ગૌરક્ષકોએ ચાવંડ પાસે વોચ ગોઠવી એક શંકાસ્પદ ટ્રકને રોકી તેની તલાશી લેતા તેમાંથી અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલા ૮ ભેંસ અને ૧ પાડો મળી કુલ ૯ પશુઓ મળી આવ્યા હતા. ગૌરક્ષકોએ ત્વરિત કાર્યવાહી કરી આ મામલે લાઠી પોલીસને જાણ કરી પશુઓ અને એક આરોપીને પોલીસના હવાલે સોંપ્યો હતો. આ ઘટના અંગે પોલીસે કડક વલણ દાખવી પશુઓ અને ટ્રક સહિત કુલ ૫૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપી અકીલ કુરેશી વિરૂધ્ધ પોલીસે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બચાવવામાં આવેલા તમામ પશુઓને સુરક્ષિત રીતે ગૌશાળા અથવા પાંજરાપોળમાં મોકલવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશનથી પશુ તસ્કરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.