ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા બજેટ સત્ર ૨૦૨૬-૨૭ના ૧૦મા દિવસે ગૃહમાં આજે ભારે હંગામો જોવા મળી રહ્યો છે. જે બાદ કોંગ્રેસે ગૃહમાંથી વોક આઉટ કર્યું પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્તીના પ્રમાણમાં બજેટ માંગ સાથે કોંગ્રેસે હંગામો સર્જ્યો હતો અને બાદમાં વોક આઉટ કર્યું હતું.
વિધાનસભામાં હાલ ગુજરાત બજેટ સત્ર ૨૦૨૬-૨૭ ચાલી રહ્યું છે. આજે આ બજેટ સત્રનો ૧૦માં દિવસે પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ, ગુજરાતમાં પછાત જાતિને અપાતી સહાય અંગે પ્રશ્ન રજૂ કર્યો હતો. તેમણે આક્ષેપ લગાવ્યા હતા કે, સામાજિક ન્યાય અને અધિકારિતા સંબંધિત વિવિધ વિકાસ નિગમોને ફાળવવામાં આવતું બજેટ પૂરતું નથી, અને જે ફાળવાય છે તેમાં પણ મોટો હિસ્સો વપરાશ વિના જ રહી જાય છે.
અમિત ચાવડાએ ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને અલ્પેશ ઠાકરના નામનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, આ બંને ધારાસભ્યો જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ આ ‘ગુજરાતમાં પછાત જાતિને અપાતી સહાય’ અંગેનો પ્રશ્ન ચર્ચાયો હતો અને હાલ આ બંને ધારાસભ્ય ભાજપમાં ગયા છતાંય આ પ્રશ્ન હલ થયો નથી.’ ત્યારે અમિત ચાવડા બંને ધારાસભ્યનું નામ લઈ આ પ્રશ્ન પૂછવાની સાથે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. આ મુદ્દે ગૃહમાં તીખી ચર્ચા વચ્ચે કોંગ્રેસે “વસ્તી પ્રમાણે બજેટ આપો”ના નારા લગાવ્યા અને સરકારની નીતિ સામે વિરોધ નોંધાવ્યો હતો અને વોક આઉટ કર્યું હતું.
બાદમાં અમિત ચાવડાએ મીડિયા સમક્ષ કહ્યું કે, એસસી એસટી અને ઓબીસી વિરોધી સરકારનો ચહેરો ખુલ્લો પડી ગયો છે. સામાજિક ન્યાય અધિકારિતા નિગમમાં છેલ્લા બે વર્ષમાં કેટલું બજેટ ફાળવાયું અને કેટલું વપરાયું તેનો પારદર્શક હિસાબ સરકારે આપવો જોઈએ.” તેમણે આક્ષેપ કર્યો કે બજેટ ફાળવણી માત્ર કાગળ પર જ દેખાય છે, જ્યારે હકીકતમાં તેનો લાભ પાત્ર વર્ગ સુધી પહોંચતો નથી.
જાકે આ પ્રશ્નના જવાબમાં આંકડાકીય માહિતી આપતા મનીષા વકીલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન સામાજિક ન્યાય અધિકારિતા નિગમને ૭૬.૫૦ કરોડ રૂપિયા ફાળવાયા હતા, જેમાંથી ૨૮ કરોડ રૂપિયા વપરાશ વિના રહી ગયા. અલ્પસંખ્યક વિકાસ નિગમને ૨૨.૮૦ કરોડ રૂપિયા ફાળવાયા હતા, જેમાંથી અંદાજે ૪૦ ટકા રકમ વપરાઈ નથી. ઠાકોર-કોળી વિકાસ નિગમને ૮૯ કરોડ રૂપિયા ફાળવાયા હોવા છતાં તેમાંના ૫૮ ટકા નાણાં ખર્ચાયા નથી. ગોપાલક સમાજ માટે ફાળવાયેલા ૨૩.૪૪ કરોડ રૂપિયામાંથી લગભગ ૫૦ ટકા રકમ વણવપરાયેલી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું.
કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે જ્યારે અન્ય કેટલાક નિગમોને વધુ રકમ ફાળવવામાં આવે છે, ત્યારે એસસી એસટી અને ઓબીસી વર્ગના વિકાસ માટેના નિગમોમાં નાણાંનો પૂરતો ઉપયોગ કેમ થતો નથી? “જો અન્ય નિગમોને વધુ રકમ ફાળવો છો તો તેનો આધાર શું છે? સરકાર ગૃહમાં સ્પષ્ટ જવાબ આપતી નથી,” એમ અમિત ચાવડાએ કહ્યું.
સરકાર તરફથી આક્ષેપોને રાજકીય પ્રેરિત ગણાવી જવાબ આપવામાં આવ્યો હોવાની માહિતી છે, પરંતુ વિપક્ષે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પછાત વર્ગોના હકો અને હિસ્સા માટે તેઓ આગળ પણ લડત ચાલુ રાખશે. આ મુદ્દે આગામી દિવસોમાં ગૃહમાં વધુ ચર્ચા અને રાજકીય ટકરાવ જોવા મળી શકે છે.









































