હારીજમાં થોડા દિવસ પૂર્વે પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે એક ભોજન સમારંભનું આયોજન કરી ઠાકોર સમાજના બંધારણનો ભંગ કર્યો હતો. જે હવે તેમને ભારે પડ્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની હાજરીમાં શાહી કંકોત્રી, ભોજન સમારંભ યોજાયો હતો. આ બધામાં ધૂમ ખર્ચો કરીને બંધારણના લીરેલીરા ઉડ્યા હતા. જેને લઈ હારીજના બોરતવાડા ખાતે ૪૨ ગોળ ઠાકોર સમાજની મીટીંગ યોજાઈ હતી. જેમાં દશરથજી ઠાકોરે સમાજ સમક્ષ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. આ સાથે તેમણે કહ્યું હતું કે, સમાજ તેમના માટે સર્વોપરી છે. સમાજ જે પણ નિર્ણય કરે તે આવકાર્ય છે.
ત્યારે સ્થાનિક સમાજની સમિતિ દ્વારા અગાઉ કોરડામાં મગનજી ઠાકોરના કિસ્સામાં લેવાયેલા નિર્ણય મુજબ જ, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરજી ઠાકોરને સમાજના નિયમો મુજબ ૧.૫૧ લાખનો સમાજ સમિતિ દ્વારા દંડ કરવામાં આવ્યો હતો. જે દંડની રકમ સમાજના શિક્ષણ પાછળ વાપરવામાં આવશે.
ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગે થતાં ખોટા ખર્ચાઓ અને કુરીવાજાને દુર કરવા માટે સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઓગડ ખાતે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬ જેટલા નિયમો કરવામાં આવ્યા હતા. જેનો ભંગ થતા ૧.૫૧ લાખનો દંડ ભરવો પડ્યો છે. અગાઉ સાંતલપુરના કોરડા ગામના મગનજી ઠાકોર સામે કાર્યવાહી કર્યા બાદ, હવે દશરથજી ઠાકોર પર પણ સમાજની ગાજ પડી. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે, સમાજનો હોદ્દો કે રાજકીય વગ ગમે તેટલી હોય, પણ સામાજિક નિયમો દરેક માટે સમાન છે. આ ઘટના હાલ સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે.
ઠાકોર સમાજને આગેવાનોએ આ અંગે જણાવ્યુ છે કે, દશરથજી ઠાકોરને ત્યાં લગ્ન સમારંભ હતો અને તેમા ધ્યાને આવ્યું હતુ કે, તેમના પ્રસંગમાં સમાજનું બંધારણ તૂટ્યું છે. તે અનુસંધાનમાં સમાજ ભેગો થયો હતો અને સારી બાબત થઈ છે. સમાજ વચ્ચે દશરથજી ઠાકોરે જાહેરમાં કહ્યુ કે, આમા મારી ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું. તે ભૂલનો સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો હતો અને તેમણે એ ભૂલનો સ્વીકાર કર્યો હતો.









































