અમરેલી જિલ્લાના યુવાનોને તેમની યોગ્યતા અનુસાર પસંદગીની જગ્યાએ રોજગારી મળી રહે તેમજ ઉદ્યોગ અને વેપારના એકમોને તેમની જરૂરિયાત અનુસાર કુશળ માનવ બળ મળી રહે તેવા હેતુથી અમરેલીમાં લાઠી રોડ પરની સરકારી પોલીટેકનિક ખાતે ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મેગા પ્લેસમેન્ટ કેમ્પ-૨૦૨૬નું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને સંસ્થાના આચાર્ય બી. પી. રાવલ તેમજ પ્લેસમેન્ટ કોર્ડીનેટર એમ ડી કાકડિયાના માર્ગદર્શનમાં કામગીરી શરૂ કરવામાં આવી છે. ફેરમાં જિલ્લાની વિવિધ ૧૩ જેટલી સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજોના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા આશરે ૧૭૦૦થી વધારે વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. આ પ્લેસમેન્ટ ફેરમાં જિલ્લાના આસપાસના વિસ્તારની આશરે ૨૦ જેટલી વિવિધ કંપનીઓ પોતાની ૫૦૦થી વધારે જગ્યાઓ માટે વિદ્યાર્થીઓની ભરતી કરશે. સંપૂર્ણ ભરતી પ્રક્રિયા તદ્દન નિઃશુલ્ક છે. ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરતા જિલ્લાની તમામ સરકારી તેમજ ગ્રાન્ટેડ કોલેજોના વિદ્યાર્થીઓને જરૂરી તમામ ડોક્યુમેન્ટ સાથે ભાગ લેવા માટે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવું વિ. એમ. વાણીયાની યાદીમાં જણાવેલ છે.







































