સાવરકુંડલા તાલુકાના હીપાવડલી ગામે સ્થિત શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમ ખાતે મહામંડલેશ્વર ૧૦૦૮ જશુબાપુ અને સેવકો દ્વારા જાણીતા હાસ્યકલાકાર ડો. જગદીશ ત્રિવેદીની રકતતુલાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડો. ત્રિવેદીએ સ્વયં રક્તદાન કરીને સમાજને પ્રેરણા પૂરી પાડી હતી. આ આશ્રમ છેલ્લાં ૨૦ વર્ષથી નિરંતર સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે, જ્યાં દર શુક્રવારે નેત્રયજ્ઞ અને મેડિકલ કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ નિઃશુલ્ક સારવાર, નિદાન અને ભોજનનો લાભ લીધો છે. આ કેમ્પમાં ડો. મનીષ વલાણીયા, ડો. કમલેશ જોષી અને ડો. રાઠોડના માર્ગદર્શન હેઠળ એકત્ર થયેલ રક્તને ભાવનગર અને મહુવાની બ્લડ બેંકમાં અર્પણ કરવામાં આવ્યું હતું. વંડા ગામના દુષ્યંતભાઈ સોલંકી છેલ્લા બે દાયકાથી આ કેમ્પમાં વિનામૂલ્યે દવાઓ પૂરી પાડી સેવામાં સહભાગી બને છે. પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં ડો. જગદીશ ત્રિવેદીએ જશુબાપુની આ સેવાને ‘લક્ષચંડી યજ્ઞ’ સમાન ગણાવી હતી. તેમણે સૂચવ્યું કે જો અહીં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉમેરાય તો ભજન, ભોજન, ભંજન અને ભણતરનો અદભૂત ‘સેવાચતુષ્કોણ’ રચાય. આ સાથે જ તેમણે આશ્રમમાં હોસ્પિટલના નિર્માણ માટે પ્રથમ પાંચ લાખ રૂપિયાના દાનની ઉમદા જાહેરાત પણ કરી હતી.