લાઠી તાલુકાના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ કાર્યરત ધારાસભ્ય જનક તળાવીયાએ જરખીયા ગામના વર્ષો જૂના પૂરના ગંભીર પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. ગામની ભૌગોલિક સ્થિતિ અને ચોમાસામાં નદીના પ્રચંડ પ્રવાહને કારણે સર્જાતી સમસ્યાઓને ધ્યાને રાખીને તેમણે રૂપિયા ૫૦ લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી અપાવી છે. આ મજબૂત આર.સી.સી. સ્ટ્રક્ચરવાળી દિવાલ માત્ર ગામના લોકોની જ નહીં પરંતુ ખેતીની જમીન અને પશુધનની પણ સુરક્ષા સુનિશ્ચિત કરશે. ધારાસભ્યએ આ તકે જણાવ્યું હતું કે લોકોની સલામતી તેમની પ્રથમ પ્રાથમિકતા છે. નદીના પાણીની દિશા બદલીને વસ્તીને સુરક્ષિત કરવા માટેની આ તકનીકી ડિઝાઇનથી ગ્રામજનોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે. વર્ષોથી પડતર આ માંગણી સંતોષાતા ગામના વડીલો અને યુવાનોએ ધારાસભ્યનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.








































