રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવનારી ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં ચકચાર મચી છે. સંકેતો મળી રહ્યા છે કે, ચૂંટણી પ્રક્રિયા હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને મે મહિનાના પ્રથમ સપ્તાહમાં મતદાન યોજાઈ શકે છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ મહિનાના અંત સુધી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
રાજ્યભરમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત જેવી સંસ્થાઓના કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે. આ સંજાગોમાં ચૂંટણી યોજવી બંધારણીય ફરજ બની જાય છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદાર યાદી સુધારણા, મતદાન મથકોની તૈયારી અને અધિકારીઓની નિમણૂંક જેવી પ્રાથમિક પ્રક્રિયાઓ લગભગ પૂર્ણતાની નજીક હોવાનું કહેવાય છે.
ચૂંટણી જાહેરનામું બહાર પડ્યા બાદ આદર્શ આચાર સંહિતા અમલમાં આવશે, જેના કારણે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા નવી જાહેરાતો અથવા યોજનાઓની જાહેરાત પર મર્યાદા આવશે. રાજકીય પક્ષોએ અંદરખાને તૈયારીઓ તેજ કરી દીધી છે. સંભવિત ઉમેદવારો દ્વારા મતવિસ્તારમાં સંપર્ક અભિયાન, સામાજિક કાર્યક્રમોમાં હાજરી અને સંગઠન મજબૂત કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે.
ગામડાંથી લઈને શહેરો સુધી સ્થાનિક મુદ્દાઓ ચૂંટણીના કેન્દ્રમાં રહેવાની શક્્યતા છે. પાણી પુરવઠો, રસ્તા-ગટર જેવી સુવિધાઓ, મિલકતવેરો, સ્વચ્છતા અને વિકાસકાર્યો મુખ્ય એજન્ડા બની શકે છે. શહેરી વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાફિક વ્યવસ્થા મહત્વના મુદ્દા બનશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી, સિંચાઈ અને આરોગ્ય-શિક્ષણ સુવિધાઓ ચર્ચાનો વિષય બની શકે છે.
ચૂંટણીના કાર્યક્રમ અંગે અંતિમ નિર્ણય રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા લેવામાં આવશે, પરંતુ માર્ચના અંત સુધી જાહેરનામું અને ત્યારબાદ એપ્રિલમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા  વ્યક્ત કરવામાં આવી રહી છે. મેના પ્રથમ સપ્તાહમાં મતદાન અને ત્યારબાદ ગણતરી યોજાઈ શકે છે.
રાજકીય દ્રષ્ટિએ આ ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આવનારા સમયમાં રાજ્યની રાજકીય દિશા અને જનમનોભાવનો અંદાજ આ ચૂંટણીના પરિણામોથી મળી શકે છે. હાલ તમામ પક્ષો સંગઠન મજબૂત કરવા અને કાર્યકરોને સક્રિય બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.