જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીના નિયંત્રણ હેઠળ ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી કાર્યક્ષેત્રના પ્રગતિશીલ ખેડૂતને રાષ્ટ્રીય કક્ષાનો “બેસ્ટ ઇનોવેટીવ ફાર્મર્સ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે.અમરેલી તાલુકા અને જિલ્લાના મોટા આંકડિયા ગામના વતની દિનેશભાઇ ભગવાનભાઇ સવસૈયાને અંજીરની પ્રાકૃતિક ખેતી અને તેના મૂલ્યવર્ધન ઉપર કરેલી કામગીરી બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે. સોસાયટી ઓફ એક્ષટેન્શન એજ્યુકેશન, ગુજરાત અને આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગત તા. ૨૦ અને ૨૧/૦૨/૨૦૨૬ દરમિયાન આણંદ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આણંદ ખાતે યોજાયેલા આ બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદમાં આણંદ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલપતિના હસ્તે દિનેશભાઇ સવસૈયાને રાષ્ટ્રીય કક્ષાનો આ ‘બેસ્ટ ઇનોવેટીવ ફાર્મર્સ એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.