અમરેલી જિલ્લાના સેવા સદનમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિ, જિલ્લા ટાસ્ક ફોર્સ ઇમ્યુનાઇઝેશન (રસીકરણ) તેમજ નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.વર્ષ ૨૦૨૫ના એપ્રિલ મહિનાથી શરૂ કરી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી કરવામાં આવેલી રસીકરણ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. નવજાત બાળકોને ઉંમર મુજબ સમયસર તમામ તબક્કાનું રસીકરણ થાય તેની ખાસ કાળજી લેવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને મિઝલ્સ અને રૂબેલા સામેનું રસીકરણ વધુ સઘન બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાળકો રસીકરણથી વંચિત રહ્યા હોય, તેમને અભિયાન અંતર્ગત આવરી લેવા તથા ફિલ્ડ સર્વે વધારવા સૂચના અપાઈ હતી.જિલ્લામાં હાલની પરિસ્થિતિ મુજબ કોઈ સંચારી રોગચાળો નોંધાયો નથી. સિઝનલ ફ્લુના સંભવિત ફેલાવાને ધ્યાનમાં રાખી જરૂરી દવાઓ, માસ્ક, ટ્રિપલ ટેસ્ટિંગ કિટ તથા અન્ય આરોગ્યલક્ષી સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે નહીં તેની સમીક્ષા કરવામાં આવી હતી. જાન્યુઆરીથી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન એનિમલ બાઈટ (રેબીઝ)ના કુલ ૨૫૫૦ કેસ નોંધાયા હતા, જોકે હડકવાના એકપણ કેસ નોંધાયા નથી. જિલ્લામાં તમામ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં એ.આર.વી. અને એ.એસ.વી.નો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવાયું હતું.પીવાના પાણીના ક્લોરિનેશનની કામગીરી વધુ અસરકારક બને તે માટે આગોતરું આયોજન હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. મચ્છરજન્ય રોગો અટકાવવા ફોગિંગ સહિતના નિયંત્રણ પગલાં વધુ સક્રિય રીતે અમલમાં મુકવા પર ભાર મૂકાયો હતો.
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાકક્ષાની સમિતિની બેઠકમાં શાળા વિસ્તાર નજીક તમાકુજન્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધના કડક અમલ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન વિવિધ વિભાગોની સંયુક્ત કામગીરી હેઠળ ૧૫૭ કેસ નોંધાયા હતા અને રૂપિયા ૧૪ હજારથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આઈ.એમ.એ.ના પ્રતિનિધિઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









































