રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે ગુનેગારી અને વીજ ચોરી સામે કડક કાર્યવાહીનો નવો અભિયાન શરૂ કર્યો છે. તાજેતરમાં વિંછીયા તાલુકાના આકડીયા (આંકડીયા) ગામમાં પોલીસે વિશાળ કોમ્બીંગગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘરોની તપાસ સાથે મોટા પાયે વીજ ચોરીના કિસ્સા પણ ઝડપાયા છે.રાજકોટ ગ્રામ્યના પોલીસ એસપીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી,એસઓજી,કયુઆરટી ટીમો સહિત વિંછીયા, આટકોટ, જસદણ, ભાડલા વગેરે પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ગામમાં હત્યા, મારામારી, હુમલા જેવા ગંભીર ગુનાઓમાં વારંવાર સંડોવાયેલા ૧૭ રીઢા આરોપીઓના ઘરોમાં વિગતવાર તપાસ કરવામાં આવી. આમાંથી અમુક આરોપીઓ જેલમાં છે, કેટલાક ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરી ચૂક્્યા છે, જ્યારે એક આરોપી હજુ પકડાયો નથી.સર્ચ દરમિયાન ગામના અલગ-અલગ વિસ્તારોમાંથી ૩૩ બિનકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા.આ બધા જોડાણો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા.
ગામના જુદા જુદા સ્થળોએથી અંદાજે ૧૦,૦૦૦ મીટર વીજ કેબલ પણ પોલીસે જપ્ત કર્યો.પીજીવીસીએલ (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની જસદણ ડિવિઝન દ્વારા વીજ ચોરી કરનાર વ્યક્તિઓ પર કુલ રૂ. ૨૧ લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન ૭ ગેરકાયદેસર વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા હતા.









































