ગુજરાત સરકારના ‘શહેરી વિકાસ પર્વ ૨૦૨૫-૨૬’ ની ઉજવણી અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. સાંજે ૫ઃ૦૦ કલાકે કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શીવાભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય અને સ્ટોલનું ઉદ્ઘાટન કરીને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ સ્વદેશી મેળો આગામી તા. ૨૫-૦૨ (ગુરુવાર) સુધી ચાલશે.આ મેળામાં ખાણીપીણી સહિતના કુલ ૩૦ જેટલા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. મેળાનો મુખ્ય હેતુ સ્વ-સહાય જૂથ (સખીમંડળ) ની બહેનો, શેરી ફેરિયાઓ તથા સ્થાનિક નાના વેપારીઓ દ્વારા સ્વદેશી વસ્તુઓનું વેચાણ અને પ્રદર્શન કરવાનો છે. સરકારની ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ ની પ્રેરણાને સાર્થક કરતા આ સ્વદેશી મેળાને સફળ બનાવવા માટે કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર ગોહિલના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાનો સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે.









































