ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલા ઇવા સુરભી મોલમાં ચાલતા કેટલાક સ્પા સેન્ટરો પોલીસના નિશાને આવ્યા. મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસે ટીમ બનાવી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન કેટલાક શંકાસ્પદ હલચલ જાવા મળતાં પોલીસ દ્વારા વિગતવાર પૂછપરછ કરવામાં આવી.
મોલમાં કાર્યરતઆયુર થાઈ સ્પા અને અરોમા ફેમિલી સ્પા સેન્ટરોમાં તપાસ દરમિયાન નિયમોના ભંગ અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી. પોલીસે સ્થળ પરથી ૭ મહિલાઓ અને બે ગ્રાહકોને ઝડપી પાડ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તમામની ઓળખ, દસ્તાવેજા અને પરમિટની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે કેટલાક સેન્ટરોમાં કાયદેસરની મંજૂરી વિના સેવાઓ આપવામાં આવી રહી હતી.
આ કાર્યવાહી દરમિયાન શહેરના અન્ય સ્પા સેન્ટરો જેમ કે પટાયા ફેમિલી સ્પા અને સીટીસ્ટાર સ્પે સેન્ટરમાં પણ દરોડા પાડવામાં આવ્યા. પોલીસે તમામ સ્થળોએ રજીસ્ટર, સીસીટીવી ફૂટેજ અને સ્ટાફની વિગતો કબજે લીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શહેરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે આવી કામગીરી આગળ પણ ચાલુ રહેશે. પોલીસે જણાવ્યું કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો તેમજ ગેરકાયદેસર વ્યવસાય પર નિયંત્રણ મેળવવાનો છે. આગળની તપાસના આધારે વધુ કાનૂની પગલાં લેવામાં આવશે.








































