બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિ. ની ચલાલા શાખાના લોન બાકીદાર સામેના ચેક રિટર્ન કેસમાં અમરેલી કોર્ટે ચુકાદો આપી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો છે. બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિ. ની ચલાલા શાખામાંથી ઢોલરવા ખાતે રહેતા વનરાજભાઈ અનકભાઈ વાળાએ રૂ. ૫૦,૦૦૦ ની સભાસદ શાખ લોન લીધી હતી. આ ધિરાણ વસૂલાત અને લોન બાકી પેટે તેઓએ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ. નો તા. ૩૧/૦૭/૨૦૨૫ નો મંડળીને રૂ. ૫૧,૦૪૫ નો ચેક આપ્યો હતો. આ ચેક મંડળીના બેંક ખાતામાં ક્લિયરિંગમાં નાખતા અપૂરતા બેલેન્સના કારણે પરત ફર્યો હતો. ત્યારબાદ મંડળીના ચેરમેનના માર્ગદર્શન હેઠળ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-૧૩૮ મુજબ ફરિયાદ દાખલ કરતા પૂર્વે વકીલ મારફત નોટિસ આપવામાં આવી હતી. કેસ અમરેલી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટમાં ચાલી જતાં, મંડળી તરફથી એડવોકેટ ચંદ્રેશભાઈ બી. મહેતા અને અશોક બી. વાળાએ ધારદાર દલીલો રજૂ કરી હતી. કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને અપાયેલા ચુકાદામાં આરોપીને એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ ફરિયાદી મંડળીને ચૂકવી આપવાનો હુકમ ફરમાવ્યો છે.







































