અમરેલી તાલુકાના માલવણ ગામમાં આમ આદમી પાર્ટી (AAP) ના પોસ્ટરો લગાવવા બાબતે ભારે હોબાળો મચ્યો છે. ગામના સરપંચ ભરત બાલધાના જણાવ્યા અનુસાર, અજાણ્યા શખ્સોએ ગ્રામપંચાયતની કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર કોમ્યુનિટી હોલ, શિવમંદિરની દીવાલ અને અન્ય જાહેર મિલકતો પર પોસ્ટરો ચોંટાડ્‌યા છે.સરપંચે આક્ષેપ કર્યો છે કે આ પોસ્ટરોમાં વપરાયેલી ભાષા તોછડી અને ઉશ્કેરણીજનક છે, જે ગામની સુલેહ-શાંતિ જોખમાવી શકે છે. ખાસ કરીને બાળકોના માનસ પર આની નકારાત્મક અસર પડવાની ભીતિ તેમણે વ્યક્ત કરી છે. આ મામલે સરપંચે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે અને માંગ કરી છે કે તમામ બિનઅધિકૃત પોસ્ટરો તાત્કાલિક દૂર કરવામાં આવે, સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.