આજના ટેકનોલોજી યુગમાં માનવીની જીવનશૈલીની સાથે સાથે કાર્ય કરવાની ક્ષમતા અને નીપુણતા ઓછી થઈ રહી છે અને જુઠ્ઠું જોરથી બોલીને કામચોરી કરતા માનવોની સંખ્યામાં ઉત્તરો ઉત્તર પ્રગતિ થઈ રહી છે. કર્મ એ ધર્મ છે. ભગવદ્‌ ગીતાના દાર્શનિક સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું છે કે તું તારું કર્મ કરતો જા ફળની આશા રાખીશ નહીં. અહીંયા તો કર્મ સાઇડ ઉપર રહે છે અને ફળ કઈ રીતે મળે તેના માટે કામચોરી કરતા રહો અને ફળ મેળવતા રહો. આવા બુદ્ધિશાળી માણસોને માણસો ગણવા? સામાન્ય માણસથી સંસદ સુધી રોજબરોજ પોતાના ભાગે આવતું કામ ન કરનારાઓની સંખ્યા અઢળક છે. નોકરીના સમયગાળા દરમિયાન આપણા ભાગે જે કામ આવ્યું છે તે નિષ્ઠાથી કરવું તે પ્રભુ ભક્તિ છે.
ભક્તિનો ડહોળ કરવો, રાત્રે મોડા સુધી મંજીરા વગાડવા અને સવારે સમયસર ના જવું એ કઈ ભક્તિ છે? જે સંસ્થા તમને રોટલા આપતી હોય તેને વફાદાર રહીને કામ કરવું એ સૌથી મોટું કર્મ છે. આજે કામચોરી કરવા માટે એવી તરકીબો શોધે છે. જેનો સર્વે કરવામાં આવે તો નવું જાણવા મળે તેવી અદભુત બુદ્ધિશાળી પ્રજા છે? કાર્યને પાયોરિટી આપવી એ આપણી ફરજ બને છે. ભારતની બંધારણીય મૂળભૂત ફરજોમાં આપણના ભાગે આવેલું કાર્ય કરવા માટે આપણે બંધાયેલા છે. પગાર તગડો લેવો છે અને કાર્ય કરવામાં ચોરી કરવી છે તે કોઈ પણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં.
આજે અમેરિકા, જાપાન, બ્રિટન કે અન્ય દેશો કેમ આગળ છે.તેનું મૂળ કારણ તેવો તેમના કાર્યને વફાદાર રહીને કામ કરે છે. અહીંયા તો વફાદારો જ ગદ્દાર નીકળે છે. આજે વિશ્વ ગુરુ બનતા પહેલા કાર્ય ગુરુ બનવું પડશે.કાર્યની પાયોરિટી પ્રથમ છે. બસના ડ્રાઈવરનું મુખ્ય કામ નાગરિકોની સલામતી અને સમયસર તેને તેના સ્ટેન્ડ ઉપર પહોંચાડવા તે તેની ફરજ છે. જે પણ ડિપાર્ટમેન્ટ હોય ત્યાં કાર્યને પ્રાધાન્ય આપીને સમય મર્યાદામાં પૂર્ણ કરવું તે સૌથી મોટો કર્મયોગ છે.લોકશાહીની વ્યાખ્યા આ જ છે. ગાંધીજીએ કહ્યું છે કે કાર્યનો બોજો માનવીને મારી નાખે છે.રોજનું કામ રોજ કરવામાં આવે તો કાર્યનો બોજો વધતો નથી. પરંતુ આળસ, બેદરકારી, કામચોરી આ બધી બાબતો દેશની ગુણવત્તાને નબળી બનાવે છે. ગમે તેટલી ઘંટડી ખખડાવવામાં આવે પરંતુ કર્મયોગના હોય તો તે બધું નિરર્થક છે. આધ્યાત્મિકતા મનુષ્યને કર્મના સિદ્ધાંતને નૈતિક બળ દ્વારા સાકર અને આકાર કરવાની પ્રેરણા આપે છે.
શિક્ષાપત્રીમાં લખ્યું છે કે લાંચ લેવી લોહી પીવા બરોબર છે. તેમ છતાં અન્ડર ટેબલ ગાંધી છાપ નોટોનો વ્યવહાર થઈ રહ્યો છે. આજે શોર્ટ માર્ગથી કાર્ય કરાવવાની હોડ શરૂ થઈ છે. અંતર આત્માને નિજાનંદ ત્યારે જ પ્રાપ્ત થાય કે જે મેં મારા ફરજના સમયગાળા દરમિયાન કાર્ય કયુ તેનો આનંદ એજ સ્વર્ગાનંદ છે.પ્રજાના ખજાનાથી આપણને તગડો પગાર મળે છે ત્યારે નિષ્ઠાથી કાર્ય કરવું તે સૌથી અગત્યનું છે.
આજે સામાન્ય પટાવાળાથી માંડીને મોટા અધિકારીઓ આ બધું જાણતા હોવા છતાં વ્યવસ્થામાં બદલાવ લાવવાનો કેમ વિચાર કરતા નથી? બે દિવસ પગાર લેટ થયો હોય તો કેમના ઊંચા નીચા થઈને તિજોરી અથવા તો સંબંધિત અધિકારીને સુફિયાણી સલાહો આપીએ છીએ કે સમયસર કામ કરતા નથી પણ આપણે કરીએ છીએ? એક આંગળી ચીંધવાની સામે તમારી સામે ચાર હોય છે. આ બાબત દરેકે સમજવા જેવી છે. ડાહી સાસરે ના જાય અને ગાંડીને સલાહ આપે તેવું બહુરૂપી સ્વરૂપ ધરાવતા માનવો ચોરે અને ચોટે જોવા મળે છે. જે સંસ્થાએ આપણને નોકરી આપી હોય તેને વફાદાર રહેવું તે જ મોટામાં મોટી સર્વિસ બુક છે.
સરદાર પટેલની પ્રામાણિકતા અને પારદર્શકતા આજના યુવાનો અને માત્ર કહેવાતા કર્મયોગીઓને સમજાવવાની જરૂર છે.દેશ પ્રથમ ની વાત કરનારા નાગરિકોની તાતી જરૂરિયાત છે. મૂલ્યો અને આદર્શો જ્યાં સુધી સ્થાપિત નહીં થાય ત્યાં સુધી બધું નિરર્થક છે. હું મારી ફરજને મારો ધર્મ સમજીશ તે જ મારી મનસા હશે.આજે એક ફાઈલમાં સહી કરવા માટે મહિનો થાય છે. આવું શા માટે? ફાઇલ ટેબલ ઉપર આવે એટલે તરત જ તેનું નિરાકરણ આવી જવું જોઈએ. ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ રાત્રે મોડા સુધી સચિવાલયમાં બેસીને તેમના ટેબલ ઉપર આવેલી તમામ ફાઈલો ક્લિયર કર્યા પછી જ ઘરે જતા હતા.કામચોર હોત તો તેમને ઇતિહાસ યાદ કરતો હોત? આવા જ મહાપુરુષો ઇતિહાસનો અને કર્મશીલાનો અનન્ય વારસો છે. કરેલા કર્મોની સજા અહીંયા જ ભોગવવાની છે. સારા કર્મો કર્યા હશે તો તેની નોંધ ઈશ્વરને પણ લેવી પડશે એટલે કર્મને પ્રાધાન્ય આપીને કામચોરી અને સમયચોરી અટકાવીને નીતિમતા કેળવીએ.બાળકોને ગમે તેટલું શિક્ષણ આપીએ પરંતુ આપણે જ વર્ગની અંદર કશું જ કાર્ય ના કરાવીએ અને બેસાડી રાખીએ તો રાષ્ટ્ર આગળ આવશે? મૂલ્ય શિક્ષણ અને સારા નાગરિક બનાવવાની કેળવણી સમાજમાં પહોંચી નથી એટલે તો શ્વાન ગણવા કે અન્ય કામ સમાજના ચાણક્યને આપવા પડે છે. તેમાંથી બહાર આવવું હોય તો મૂલ્યો અને આદર્શ મારું શિક્ષણ કંડારવુ પડશે. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨