હરદીપ પુરીએ એપસ્ટેઈનની મહેમાનગતિ માણેલી ? કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી હરદીપસિંહ પુરીનું નામ ‘એપસ્ટેઈન ફાઈલ્સ’માં આવ્યું તેના કારણે રાજકીય ગરમીનો માહોલ છે. કોંગ્રેસે હરદીપ પુરીના રાજીનામાની માગ સાથે સંસદ ઠપ્પ કરી દીધી અને સંસદની બહાર પણ આ મુદ્દો ગાજી રહ્યો છે. પુરીએ પોતે જેફરી એપસ્ટેઈનને ત્રણ-ચાર વાર મળ્યા હતા એ કબૂલ્યું છે પણ તેમની વાતચીત અને મુલાકાતો સંપૂર્ણપણે પ્રોફેશનલ હતી એવો પુરીનો દાવો છે.
પુરીના કહેવા પ્રમાણે, પોતે મે ૨૦૦૯માં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો પછી ઇન્ડિપેન્ડન્ટ કમિશન ઓન મલ્ટીલેટરલિઝમ અને અન્ય આંતરરાષ્ટ્રીય કાર્યોના સંદર્ભમાં એપસ્ટેઈનને મળ્યા હતા પણ એપસ્ટેઈનના ખરાબ ધંધાઓ સાથે પોતાને કોઈ લેવાદેવા નથી.
‘એપસ્ટેઈન ફાઈલ્સ’ નરેન્દ્ર મોદીની ચૂંટણી વ્યૂહરચનામાં મહત્વની ભૂમિકા ભજવનારા રવિ મંથા અને અનિલ અંબાણીનો પણ ઉલ્લેખ છે. અનિલ અંબાણીએ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમેરિકાના અધિકારીઓ સાથે મોદીની મુલાકાતો ગોઠવવા એપસ્ટેઈનનો સંપર્ક કરેલો એવા ઈ-મેલમાં ઉલ્લેખ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારે પણ અનિલે મોદી વતી ટ્રમ્પની નજીકના માણસો સાથે મુલાકાતો ગોઠવવા કહેલું એવા ઉલ્લેખ છે.
જેફરી એપસ્ટેઈને મોદીનો સીધો ઉલ્લેખ કરીને કરેલા ઈ-મેલનો મુદ્દો પણ ગાજ્યો છે પણ ભારત સરકારે આ વાતને નકારી છે. મોદી કદી એપસ્ટેઈનને મળ્યા નથી કે કોઈ વાત કરી નથી એ જોતાં મોદીને એપસ્ટેઈન સાથે કોઈ રીતે ના જોડી શકાય પણ હરદીપ પુરી ચાર વાર મળ્યા છે અને ચેટ પણ કરી છે તેથી શંકાના દાયરામાં આવી ગયા છે.
જેફરી એપ્સટેઈન કોણ હતો ?
વિકૃત્તિનો પર્યાય મનાતો જેફરી એપ્સટેઈન અમેરિકન અબજોપતિ હતો. જેફરી એપ્સટિન સગીર છોકરીઓના જાતીય શોષણ અને ધનિકોની સેક્સ ભૂખ સંતોષવા સગીર છોકરા-છોકરીઓ સપ્લાય કરવાના આરોપમાં બે વાર દોષિત ઠર્યો હતો. ૨૦૦૮માં એપ્સ્ટેઈનને વેશ્યાવૃત્તિ અને સગીરોને બળજબરીથી સેક્સની ફરજ પાડવાના કેસમાં દોષી ઠેરવાયેલો પણ એપ્સટેઈને સરકાર સાથે સોદાબાજી કરી લેતાં ફક્ત ૧૩ મહિનાની જેલ થઈ હતી.
સજા ભોગવીને બહાર આવેલા એપ્સટેઈને ફરી એ જ ધંધા શરૂ કરતાં ૨૦૧૯માં ફ્લોરિડા અને ન્યૂ યોર્કમાં ફરી એપ્સ્ટેઈનની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૯માં એપસ્ટેઈનની ફરી ધરપકડ કરાઈ ત્યારે તેની સામે સગીર છોકરીઓના સેક્સ ટ્રાફિકિંગનો ગંભીર આરોપ મૂકાયેલો તેથી આ કેસમાં એપ્સટેઈનને લાંબો સમય સજા થશે એ નક્કી મનાતું હતું પણ કેસ શરૂ થાય એ પહેલાં એપસ્ટેઈને જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
સગીર છોકરીઓ સાથે સંબંધો બાંધવા માટે દોષિત ઠરેલા એપસ્ટેઈન સામે પહેલી ફરિયાદ ૨૦૦૫માં થઈ હતી. ફ્લોરિડાના પામ બીચમાં એક વાલીએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે, એપસ્ટેઈને તેની ૧૪ વર્ષની છોકરી સાથે સેક્સ માણીને તેનું જાતિય શોષણ કર્યું હતું.
પોલીસે તપાસ શરૂ કરી પછી એપસ્ટેઈનનાં કરતૂતોની જે વિગતો બહાર આવી તે સાંભળીને આખું અમેરિકા આઘાત પામી ગયું હતું. પોલીસ તપાસમાં બહાર આવેલું કે, એપસ્ટેઈને ૩૬ સગીર છોકરીઓને હવસનો શિકાર બનાવીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. વાસ્તવિક રીતે આ આંકડો બહુ વધારે હતો કેમ કે ભોગ બનેલી તમામ છોકરીઓનો સંપર્ક કરી શકાયો નહોતો એવું પોલીસે જ કહેલું.
એપસ્ટેઈનને આકરી સજાની માગ ઉઠેલી પણ એપસ્ટેઈનના પાપમાં ભાગીદાર વગદારોએ મદદ કરતાં માત્ર ૧૩ મહિનાની જ સજા થઈ હતી. ફ્લોરિડા પોલીસે એપસ્ટેઈન તપાસમાં મદદ કરે તેના બદલામાં તેને ઓછી સજા કરાવવા કરી પ્લીયા ડીલ સામે સમગ્ર અમેરિકામાં આક્રોશ હતો છતાં ૨૦૦૮માં દોષિત ઠેરવાયો તેના વરસ પછી એ જેલની બહાર આવી ગયેલો.
એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ જેલની હવા ખાય છે.
એપસ્ટેઈનને સેક્સ અને વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓ પૂરી પાડવા બદલ બ્રિટનની ઘિસલેઈન મેક્સવેલને ન્યુ યોર્કની કોર્ટે ૨૦૨૨ના જૂનમાં ૨૦ વર્ષની સજા ફટકારી હતી. બ્રિટનના મીડિયા મોગલ રોબર્ટ મેક્સવેલની દીકરી ઘિસલેઈન એક જમાનામાં બ્રિટનનાં સોશિયાલિટ તરીતે જાણીતી હતી ને પેજ થ્રી પર તેની તસવીરો છપાતી.
યુકેના ટોચના અખબાર જૂથ મિરર ગ્રુપના માલિક રોબર્ટ મેક્સવેલના પાછલા દિવસો બદનામીમાં ગુજરેલા. ૫૦ કરોડ પાઉન્ડની લોન નહીં ભરી શકેતા મેક્સવેલની લાશ ૧૯૯૧માં એટલાન્ટિક મહાસાગરમાંથી નગ્નાવસ્થામાં મળી હતી. આ કાંડના કારણે મેક્સવેલ પરિવાર યુકેમાં નફરતનું કેન્દ્ર બની ગયેલો તેથી ૩૦ વર્ષની ઘિસલેઈન ન્યુ યોર્ક આવી ગઈ અને એપસ્ટેઈનના સંપર્કમાં આવી. બંને વચ્ચે સંબંધો બંધાયા અને ઘિસલેઈન એપસ્ટેઈનનાં કુકર્મોમાં ભાગીદાર બની ગઈ. ૨૦૨૦ના જુલાઈમાં ઘિસલેઈનની ધરપકડ થઈ પછી એપસ્ટેઈન સામેના કેસમાં ખોટી જુબાની આપવાનો પણ કેસ ચાલ્યો હતો. સગીર છોકરીઓને પરિવારથી અલગ કરીને વેશ્યાવૃત્તિમાં ધકેલવાના આરોપમાં દોષિત ઘિસલેઈન હાલમાં ફ્લોરિડાની તાલ્લાહાસ્સીની જેલમાં હવા ખાય છે.
એપસ્ટેઈનના પતનનું કારણ એક પત્રકાર હતી. અબજોપતિ એપસ્ટેઈન સગીર છોકરીઓ સાથે શારીરિક સંબધો બાંધ્યા પછી તેમને અમેરિકાના ટોચના લોકોની હવસ સંતોષવા મોકલતો હતો. ન્યુ યોર્ક સિટી, ફ્લોરિડા, વર્જિન આઈલેન્ડ્સ, ન્યુ મેક્સિકોમાં આવેલાં પોતાનાં મહેલ જેવાં ઘરોમાં લેવિશ પાર્ટીઓઓમાં દુનિયાભરની સેલિબ્રિટીઝ આવતી ૧૨-૧૪ વર્ષની છોકરીઓને તેમની પાસે મોકલીને એપસ્ટેઈન તેમને ખુશ કરતો. એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ ઘિલસેઈન તેને આ મહાપાપમાં મદદ કરતી.
એપસ્ટેઈને સેંકડો છોકરીઓને હવસનો શિકાર બનાવી હતી પણ ધનિક હોવાથી કોઈને ખબર નહોતી. ૨૦૦૮માં એ પહેલી વાર પકડાયો ત્યારે લોકોને તેનો અસલી ચહેકો દેખાયો પણ એપસ્ટેઈન વગનો ઉપયોગ કરીને આસાનીથી છૂટી ગયેલો. કાયદો કશું બગાડી ના શક્યો તેથી છાટકા થયેલા એપસ્ટેઈને ફરી પાર્ટીઓ કરવા માંડી. ૨૦૦૮માં કેટલીક છોકરીઓ બહાર આવેલી પણ એપસ્ટેઈનને કશું ના થતાં એ હતાશ હતી.
પત્રકાર શેરોન ચર્ચર તેમની મદદે આવી. વર્જિનિયા ગ્વાફરેએ શેરોનને આપવિતી કહી અને બીજી છોકરીઓનાં નામ આપ્યાં. ચર્ચર એક પછી એક છોકરીઓ સુધી પહોંચી અને એપસ્ટેઈનનાં કરતૂતોની વિગતો એકઠી કરવા માંડી. ચર્ચર ઈન્વેસ્ટિગેશન કરતી હતી ત્યારે બિલ ક્લિન્ટને પોતે જાણીતા મેગેઝિન વેનિટી ફેરની ઓફિસમાં જઈને એપસ્ટેઈન સામે સ્ટોરી છપાય તો ચર્ચરને પતાવી દેવા ધમકી આપેલી પણ ચર્ચર ના ડગી.
વર્જિનિયાને પણ ધમકીઓ મળી હતી. એપસ્ટેઈનની ગર્લફ્રેન્ડ ઘિલસેઈન મેક્સવેલે વર્જિનિયા સામે ગંદા આક્ષેપો કરેલા. વર્જિનિયાએ મેક્સવેલ સામે ૨૦૧૫માં બદનક્ષીનો કેસ કરી દીધો તેમાં એપસ્ટેઈનની પોલ ખૂલી ગઈ.
‘એપસ્ટેઈન ફાઈલ્સ’માં આઘાતજનક વાતો છે.એપસ્ટેઈનની વિકૃતિની માયાજાળ બહુ ફેલાયેલી હતી. અમેરિકાની સરકારે બહાર પાડેલા અને ન્યુ યોર્કની કોર્ટમાં એપસ્ટેઈન સામેની તપાસને લગતા જે દસ્તાવેજો રજૂ કરાયા તેમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન અને હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અબજોપતિ બિલ ગેટ્સ, પોપ સિંગર માઈકલ જેક્સન, મહાન વિજ્ઞાની સ્ટીફન હોપકિન્સ, બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સના નાના ભાઈ પ્રિન્સ એન્ડ્રુ, જાદુગર ડેવિડ કોપરફિલ્ડ સહિતના લોકો એપસ્ટેઈનની મહેમાનગતિ માણી ચૂક્યા હોવાનો ઉલ્લેખ છે.
‘એપસ્ટેઈન ફાઈલ્સ’માં દુનિયાનાં ઘણાં મોટા માથાંનો અસલી વિકૃત ચહેરો લોકો સામે છતો થઈ ગયો છે. આ અબજોપતિઓ હાઈસ્કૂલમાં ભણતી છોકરીઓ સાથે વિકૃતિઓ આચરીને શરીર સંબંધો બાંધતા. ૧૪-૧૫ વર્ષની છોકરીઓ સાથે શરીર સંબંધ બાંધીને તેમની જીંદગી બરબાદ કરનારા આ અબજોપતિ માનસિક વિકૃતોએ પોતાનાં નામ જાહેર ના થાય એ માટે બહુ ધમપછાડા કરેલા પણ અમેરિકાની કોર્ટે ‘એપસ્ટેઈન ફાઈલ્સ’ સામે સ્ટે નહોતો આપ્યો.
એપસ્ટેઈનનું મોત પણ રહસ્યમય છે. સત્તાવાર રીતે એપસ્ટેઈને ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જેલમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો પણ વાસ્તવમાં એપસ્ટેઈનને ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ મોકલી દીધો હતો એવું કહેવાય છે. ટ્રમ્પ બળાત્કારના કેસો, મહિલાએ સાથે બળજબરીથી સેક્સ સંબંધો બાંધવા, પોર્ન સ્ટાર્સ સાથે રંગરેલિયાં મનાવવા, મોડલો સાથે અય્યાશીઓ વગેરે કાંડોમાં સંડોવાયા છે. ટ્રમ્પને એક લેખિકા પર મોલના ટ્રાયલ રૂમમાં બળાત્કાર કર્યા પછી તેના વિશે જૂઠાણા ફેલાવવા બદલ કરોડોનો દંડ પણ થયો છે.
એપસ્ટેઈનનાં કુકર્મોમાં ટ્રમ્પ ભાગીદાર હતા અને ટ્રમ્પના લક્ઝુરીયસ રીસોર્ટમાં એપસ્ટેઈન પાર્ટીઓ કરતો હતો. બંને વચ્ચેની દોસ્તી જગજાહેર હતી ને એ દોસ્તી નિભાવીને ટ્રમ્પે એપસ્ટેઈનને બચાવી લીધાની ચર્ચા છે. ટ્રમ્પ ગાઝા પર બુલડોઝર ફેરવીને રીસોર્ટ બનાવવા માગે છે. આ રીસોર્ટમાં એપસ્ટેઈન સ્ટાઈલની પાર્ટીઓ કરાશે ને એપસ્ટેઈન તેની તૈયારીઓમાં લાગ્યો હોવાનું કહેવાય છે. સાચું ખોટું રામ જાણે પણ આ વાત સાવ માન્યામાં ના આવે એવી નથી જ. sanjogpurti@gmail.com










































