ધારીના ગોવિંદપુર ગામે વાડી વિસ્તારમાં મહિલા પર સિંહણે હુમલો કરતા મોત
મહિલા હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ દમ તોડ્યો
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોવિંદપુર ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં વાડી વિસ્તારમાં આંબાનો ઇજારો રાખી મજૂરી કામ કરતા ચલાલાના ૪૫ વર્ષીય મંજુલાબેન દિનેશભાઈ સોલંકી પર એક સિંહણે જીવલેણ હુમલો કર્યો હતો.બપોરના આશરે ૩ઃ૩૦ વાગ્યાના અરસામાં, જ્યારે મંજુલાબેન વાડીમાં કાર્યરત હતા, ત્યારે સિંહણે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક દોડી આવી હોબાળો મચાવતા સિંહણ ત્યાંથી ભાગી છૂટી હતી. ગંભીર રીતે ઘાયલ મંજુલાબેનને ત્વરિત સારવાર માટે ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સિંહણને પાંજરે પૂરવા કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ સિંહણ પાંજરે પુરાણી હતી. આ બનાવથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી વ્યાપી ગઈ છે.
અમરેલીના પીઠવાજાળ ગામના વાડી વિસ્તારમાં બાળકી પર દિપડાનો હુમલો
બાળકીને ઈજા થતા તાત્કાલિક અમરેલી સારવાર માટે ખસેડવામાં આવી
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીના હુમલામાં વધારો થતો જાય છે. ધારીના ગોવિંદપુર ગામે સિંહણે મહીલા પર હુમલો કરતા મોતને ઘાટ ઉતારી હતી ત્યાં સોમવારે અમરેલીના પીઠવાજાળ ગામે દિપડાએ બાળકી પર હુમલો કરતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો. અમરેલીના પીઠવાજાળ ગામે આવેલી મુળુભાઈ વાળાની વાડીએ શ્રમિક છોટુભાઈ વાસ્કેરની દિકરી પૂર્વી(ઉ.વ.૪) સહિત પાંચ બાળકો રમતા હતા ત્યારે અચાનક ત્યાં દિપડો ધસી આવ્યો હતો. અને વાડીમાં રમી રહેલા બાળકો પૈકી પૂર્વી પર દિપડાએ હુમલો કરતા પરિવારે રાડારાડ કરતા દિપડો બાળકીને છોડી નાસી ગયો હતો. બાળકીને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક અમરેલી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પીઠવાજાળ ગામે દિપડાએ હુમલો કર્યાની ઘટના વાયુવેગે પ્રસરી જતા ખેડૂતો અને શ્રમિકોમાં ભયનો માહોલ છવાયો છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગ દોડી આવ્યો હતો.







































