નેપાળના ચૂંટણી પંચે ૫ માર્ચે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પહેલા ૬૩-મુદ્દાની આચારસંહિતા જારી કરી છે. પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારોને ફક્ત બેંકિંગ વ્યવહારો દ્વારા ૨૫,૦૦૦ નેપાળી રૂપિયાથી વધુની નાણાકીય સહાય સ્વીકારવાનો નિર્દેશ આપ્યો છે.
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી કે રાજકીય પક્ષો અને ઉમેદવારો ફક્ત ૨ માર્ચ સુધી જ પ્રચાર કરી શકશે. પ્રચારનો સમય સવારે ૭ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. વધુમાં, ૫ માર્ચે સામાન્ય ચૂંટણીના ૪૮ કલાક પહેલા તમામ પ્રકારના પ્રચાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આયોગના જાહેરનામામાં ૬૦ થી વધુ જાગવાઈઓનો સમાવેશ થાય છે. ગયા વર્ષની જેમ, પ્રચારમાં પ્લાસ્ટિક સામગ્રી અથવા પોલીથીનનો ઉપયોગ પ્રતિબંધિત છે. આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારા ઉમેદવારોને કડક કાનૂની કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. કમિશન અનુસાર, નિયમોનું ઉલ્લંઘન કરવાથી ઉમેદવારની ઉમેદવારી રદ થઈ શકે છે અથવા છ વર્ષ માટે કોઈપણ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવામાં આવી શકે છે.
આ દરમિયાન, નેપાળના પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ લોકોને આગામી સામાન્ય ચૂંટણીઓમાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે આવતા મહિને યોજાનારી ચૂંટણીઓ ખાસ પરિસ્થિતિઓમાં યોજાઈ રહી છે અને તેમના સફળ સંચાલન માટે સમાજના તમામ વર્ગોનો સહયોગ જરૂરી છે.
આ અગાઉ, તાપલેજંગ જિલ્લા મુખ્યાલયની મુલાકાત દરમિયાન, કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કીએ કહ્યું હતું કે ચૂંટણીઓ દેશ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે ભાર મૂક્યો હતો કે વર્તમાન રાજકીય ગતિરોધને તોડવા માટે શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવી જરૂરી છે.