રાજુલા પોલીસે ટાઉન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન ગુનાહિત ઇતિહાસ ધરાવતા બે ઇસમોને ચોરી અથવા છળકપટથી મેળવેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્‌યા છે. સાવરકુંડલા ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીના માર્ગદર્શન અને રાજુલા પી.આઈ. વી.એમ. કોલાદરાની સૂચના હેઠળ પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં વ્યસ્ત હતો. તે દરમિયાન બે ઇસમો કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે પસાર થતાં તેમને રોકી આર.સી. બુક તથા આર.ટી.ઓ. સંબંધિત દસ્તાવેજોની માંગ કરવામાં આવી હતી. બન્ને ઇસમો પાસે જરૂરી દસ્તાવેજો ન હોવાથી પ્રાથમિક તપાસમાં મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનો સંદેહ ઉભો થયો હતો. પોલીસે બંનેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓમાં જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામના (૧) લાલજીભાઈ ચોથાભાઈ સોલંકી (ઉંમર ૩૪ વર્ષ) અને (૨) મનુભાઈ નાથાભાઈ મકવાણા (ઉંમર ૩૨ વર્ષ)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી શક પડતી મિલકત તરીકે રૂ. ૧૦,૦૦૦ કિંમતની કાળા રંગની સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી છે.