બનાસકાંઠાના થરા વિસ્તારમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાના અલ્પેશભાઈ સોની નામના વેપારીની પાર્ક કરેલી ગાડીમાંથી અજાણ્યા શખ્સો આશરે ૧૦ કિલો ચાંદીના દાગીના ભરેલી બેગ ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
આ ચોરીના કારણે વેપારીને અંદાજે ૨૦થી ૨૫ લાખ રૂપિયાનું મસમોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ ઘટના બાદ પોલીસની શિથિલ કામગીરી ચર્ચાનો વિષય બની છે. આરોપ છે કે ઘટનાના ૨૪ કલાક વીતી ગયા હોવા છતાં થરા અને દિયોદર પોલીસ વચ્ચે હદ વિસ્તારના વિવાદમાં વેપારીને ફરિયાદ નોંધાવવા માટે ધક્કા ખાવા પડ્યા હતા. આ મામલે સ્થાનિક સોની વેપારીઓમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં વેપારીઓના ટોળા એકઠા થયા હતા. અંતે વેપારીઓના દબાણ અને ઉગ્ર વિરોધ બાદ પોલીસે આ મામલે અરજી સ્વીકારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.