અભણ અમથાલાલે વચ્ચેથી છાપું લીધું.
અને એની આંખો ચાર થઈ ગઈ. એમણે વિચિત્ર નજરથી બકા સામે જોયું.
પછી થોડીવારે બોલ્યા. “બકા, તારે તારી ઘરવાળીને યુ.પી.એસ.સી કે જી.પી.એસ.સી.ની અઘરી પરીક્ષા દેવરાવવી છે? ક્યાં આવી અઘરી પરીક્ષા અને ક્યાં તારી ઘરવાળી. ક્યાંક વ્યાજબી વાત કરે તો મેળ પડે, પણ, તે તો હાવ જ વિચાર્યા વગરની વાત કરી છે.”
બકો માથું ખંજવાળવા માંડયો. અને બોસનેય જાજો ટપ્પો ના પડ્‌યો. એટલે બોસે કહ્યું.
“અમથાલાલ, બકાની ઘરવાળી આ પરીક્ષા આપે એમાં તમને શું વાંધો છે? અને અમથાલાલ, બકાની ઘરવાળી અઘરી પરીક્ષા આપે ઈ એટલીવારમાં છાપાંમાં ‘ય આવી ગયું? શું લખ્યું છે ઈ તો વાંચો.”
“બકાની ઘરવાળીનું છાપાંમાં નથી આવ્યું. પણ, બકાની ડાઢ કેમ ડળકી? ઈ છાપાંમાં આવ્યું છે.”
૧૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ ‘ઝાંસી સેન્ટ્રલ ગુડ્‌સ એન્ડ સર્વિસીસ ટેક્સ’ (ઝ્રય્જી્‌) ઓફિસની ડેપ્યુટી કમિશનર ‘પ્રભા ભંડારી’એ જેમ દરેક જગ્યાએ દરોડા પડે છે, (જેમ કે હમણાં સુરતમાં પડયો) એમ અંબે પ્લાયવુડ અને દુર્ગા હાર્ડવેરમાં દરોડા પાડયા. એમની પાસે સુરતનાં દરોડાની જેમ રજે-રજની માહિતી હતી અને કરોડો કરોડો રૂપિયાનાં અનિયમિત વ્યવહારો પકડ્‌યા.”
“હંમેશ મુજબ જ વાતને વા ખેંચી ગયો. તરત જ નક્કી કરેલાં દલાલો, વચેટિયાઓ, સેટીંગબાજો દોડાદોડી કરવા લાગ્યા. (એમને આમાં ઘી કેળા દેખાવા લાગ્યા)”
અમારી ઉપર સુધી ઓળખાણ છે. અમે તમારુ સેટલમેન્ટ કરાવી આપીશું. કોઈ કરતાં કોઈને કાનો-કાન ખબર નહીં પડે. ફલાણાં ફલાણાંને ત્યાં રેડ પડી હતી યાદ છે? પછી કાંઈ થયું? નાં જ થાય ને !! અમે ઉપર સુધી ગોઠવી દીધું ’તું. સરકારેય ભૂલી ગઈ, અને લોકો ‘ય ભૂલી ગયા. અને છાપાંવાળા તો બચાડા કેટલું ‘ક યાદ રાખે ? એનેય ઘરે છોકરાઓ તો હોય જ ને !! (જય મહાકાલ હમજી ગયાં ને !!)
આવાં વચેટિયાઓએ બન્ને બાજુ જેક મારી દીધા. મોટા મોટા વકીલોની ફોજ આમાં ઉતરી આવી. વકીલાત કર્યે કે ‘દી બંગલા બનશે? આવો એકાદ કેસ (લડ્‌યા વગર) પતાવીએ તો બંગલા જ બંગલા.
પરંતુ પ્રભા ભંડારી ભારે ખેપાની હતી. એમણે ચોખવટ કરી દીધી.
“જો ભાઈ ! તમારે જે કરવું હોય એ કરજો. હું દોઢ કરોડ કરતાં એક પણ રૂપિયો ઓછો નહીં લઉં. આ મારો ભાવ છે. ભાવમાં રકઝક નહીં કરતાં. મારે ’ય બીજાંને પ્રસાદી આપવી પડે ને !! અને તમને તો ખબર છે કે, આ પોસ્ટ માટે મેં કેટલું રોકાણ કર્યું છે.”
“તમે તમ તમારે ચિંતા ના કરો. ઈ હંધૂય અમારી ઉપર છોડી દો. તમારે માત્ર રૂપિયા જ ગણવાના.”
દલાલોએ મોટી હૈયાધારણ આપી.
પણ, સામે અંબે પ્લાયવુડનો માલિક ‘લોકેન્દર તોલાણી’ ખેપાનનાં ‘ય કાન કાપે એવો નીકળ્યો. ચોરની માથે રાત રોકાય એવો ખેપાની નીકળ્યો.
લોભીયાનો માલ ધૂતારા શા માટે ખાય? હું જ ધૂતારો બની જાઉં તો. અને એમણે ડીલ કરવાની હા પાડી દીધી. દલાલો રાજીના રેડ થઈ ગયા. પ્રભા ભંડારીને તો ભંડાર મળવાનો જ હતો. એટલે એ બે ચાર પેગ લગાવીને મખમલના ગાદલાંમાં સૂઈ ગઈ. પણ, લોકેન્દર તોલાણી રાતની રાત જાગરણ કરવા માંડયો. એમનાં મનમાં એક યોજના ઘડાઈ રહી હતી.
‘રાંડયા પછીનું ડહાપણ નકામું. ભાગતા ભૂતની ચોટલી તો ચોટલી પકડી લેવાય.’ અને લોકેન્દર તોલાણીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો.
યોજના મુજબ પહેલો હપ્તો રૂપિયા ત્રીસ લાખનો આપી દીધો.
અને હવે એન્ટ્રી થઈ સી.બી.આઈ.ની.
બીજા હપ્તા વખતે પ્રભા ભંડારી વતી લાંચની રકમ લેતો પંચાલ પકડાયો.
હવે રેલો આવ્યો મુખ્ય મહેમાન પ્રભા ભંડારીના પગ તળે.
પછી તો સી.બી.આઈ. ઓછી ઉતરે?
એમણે ઠેક-ઠકાણે દરોડા પાડયા. દિલ્હી, ઝાંસી, ગ્વાલિયર અને અન્ય જગ્યાએ જ્યાં જ્યાં પ્રભા ભંડારીનો ભંડાર ભર્યો હતો.
દરેક જગ્યાએથી ભેગું કરતાં રૂપિયા નેવું લાખ કરતાં ’ય વધારે રકમ રોકડમાં પકડી. સોના-ચાંદીના દાગીના અને એકવીસ કિલો નક્કર ચાંદીની પાટો મળી આવી. આ ઉપરાંત અનેક ધંધાની ફાઈલો, રોકાણના દસ્તાવેજોની અંદાજીત રકમ એક કરોડને સાંઈઠ લાખની હોવાની શક્યતા છે.
પ્રભા ભંડારીને એ.સી. રૂમમાં ‘ય પરસેવો વળી ગયો.
પણ આ બાઈ ખરેખર ભાયડાને ’ય ભૂ પાઈ એવી હતી. એમણે સામી ઓફર મૂકી.
“પકડાયું ઈ હંધૂય તમારું, આવશે ઈ પણ તમારું. અને ઉપરથી ભીનું સંકેલવાના કેટલાં ખોખા લેશો??”
પરંતુ, અહીં સી.બી.આઈ. અને એ.સી.બી. હતી. આપણી પોલીસ નહોતી. નકરે’ય પ્રભા ભંડારીની દાળ ગળે. છતા’ંય પ્રભા ભંડારીએ લાગવગના ખૂબ મોટાં ધમપછાડા કર્યા. આગે આગે ગોરખ જાગે.
અમથાલાલે બકાની હામે જોઈને કહ્યું.
“બકા, તને આ દોઢ કરોડની રકમ જ દેખાણી ને !?? બકા, આપણો છાસને રોટલો જ મીઠો છે. મિષ્ટાનમાં તો ઝેર ને ઝેર જ હોય છે.”