ભારતે વધુ એક વર્લ્ડ કપ જીતી લીધો.
ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાવે અને નામિબિયામાં રમાયેલો અંડર ૧૯ વર્લ્ડ કપ જીતીને ક્રિકેટ ચાહકોને ખુશ કરી દીધા. આ જીત સાથે ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ તરીકેનો પોતાનો રેકોર્ડ વધારે મજબૂત કર્યો. ભારતીય ટીમે આ પહેલાં મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ, પૃથ્વી શો અને યશ ધુલની આગેવાનીમાં અનુક્રમે ૨૦૦૦, ૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૮ અને ૨૦૨૨માં એમ ૫ વાર અંડર-૧૯ વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
આ જીત સાથે ભારતે છઠ્ઠી વાર અંડર ૧૯ વર્લ્ડ કપ જીત્યો છે. આ વખતે ભારતનો કેપ્ટન આયુષ મહાત્રે હતો તેથી મહાત્રે પણ કૈફ અને કોહલી સહિતના સફળ કેપ્ટનની યાદીમાં આવી ગયો. બીજા દેશોમાં ઓસ્ટ્રેલિયા ૪ અને પાકિસ્તાન ૨ વાર અંડર-૧૯ વર્લ્ડ કપ જીતી શક્યાં છે એ જોતાં કમ સે કમ એક દાયકા લગી તો ભારતના રેકોર્ડને કોઈ તોડી શકે તેમ નથી. વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકાએ એક-એક વાર વર્લ્ડ કપ જીત્યો છે તેથી બીજી ટીમો તો દૂર દૂર સુધી સ્પર્ધામાં જ નથી.
ભારતે અંડર ૧૯ વર્લ્ડ કપમાં જબરદસ્ત દેખાવ કર્યો ને તેમાં સૌથી પ્રભાવશાળી વૈભવ સૂર્યવંશીનો દેખાવ છે. રનમશીન વૈભવે ફાઈનલમાં ૭૫ બોલમાં ૧૭૫ રનની ઘૂંઆધાર ઈનિંગ રમીને ઈંગ્લેન્ડની ટીમનાં છોતરાં કાઢી નાખ્યા. માત્ર ૧૪ વર્ષના સૂર્યવંશીએ તેની ઈનિંગમાં ૧૫ સિક્સર અને ૧૫ બાઉન્ડ્રી ફટકારીને ૧૫૦ રન તો ઉભા-ઉભા જ કરી દીધા. આખા વર્લ્ડ કપમાં વૈભવે કુલ ૩૦ સિક્સર ફટકારી હતી.
ભારતે ૪૧૧ રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો પછી ઈંગ્લેન્ડ માટે આ રન ચેઝ કરવાનું અશક્ય જ થઈ ગયેલું. વૈભવે ફાઈનલમાં જ નહીં પણ આખા અંડર ૧૯ વર્લ્ડ કપમાં જબરદસ્ત દેખાવ કરીને ૪૦૦થી વધારે રન કર્યા. આયુષ મહાજ્ઞે, વેદાંત ત્રિવેદી અને વિહાન મલહોત્રા સહિતના ખેલાડીઓએ બેટિંગમાં ને હેનિલ પટેલ, અંબરીષ, ખિલન પટેલ, દેવેન્દ્રન વગેરે છોકરાઓએ બોલિંગમાં શાનદાર દેખાવ કરતાં બીજી કોઈ ટીમ ટકી જ ના શકી.
વૈભવ ઉપરાંત ઓરોન જ્યોર્જ, હેનિલ પટેલ અને આરએસ અંબરીશ પણ ભારતની જીતના હીરો છે. ઓપોને સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ૧૧૫ રનની ઈનિગ રમી હતી. ઓરોન જ્યોર્જે ૫ મેચમાં કુલ ૧૭૦ રન બનાવ્યા. ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા હેનિલ પટેલે ટુર્નામેન્ટની ૭ મેચોમાં કુલ ૧૧ વિકેટ લીધી અને ઓવરદીઠ ૪.૪૪ રન જ આપ્યા. આરએસ અંબરીશે ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ૩ વિકેટ ઝડપી અને તેમાં ૧૧૫ રન બનાવનાર કાલેબ ફોલ્કનરની મહત્વની વિકેટ પણ હતી. ૧૧ વિકેટ સાથે ભારતના ટોપ વિકેટ ટેકર્સ અંબરીશે ૪.૯૩ ની ઈકોનોમીથી બોલિંગ કરી. આ ખેલાડીઓના દેખાવના કારણે ભારતીય ટીમ એવા જબરદસ્ત પ્રભુત્વ સાથે રમી કે આખા અંડર ૧૯ વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી.
ભારત કેમ સતત અંડર ૧૯ વર્લ્ડ કપ જીતે છે ?
ભારત છેલ્લા ૧૩ માંથી ૧૦ અંડર ૧૯ વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે અને તેનું કારણ ક્રિકેટરોને નાની ઉંમરથી જ અપાતી તાલીમ છે. સચિન તેંડુલકર, વિનોદ કામ્બલી વગેરે ક્રિકેટરો સ્કૂલ ક્રિકેટમાં જ પોતાની નોંધ લેવડાવી ચૂક્યા હતા પણ એ પહેલાંના ક્રિકેટરોએ નેશનલ પસંદગીકારોની મહેરબાની પર રહેવું પડતું. તેમની નજર પડે ને એ લોકો રીઝે તો તક મળે, બાકી વરસો સુધી પરસેવો વહાવો છતાં કશું નહોતું થતું.
હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCL) નવી સ્ટ્રેટેજી સાથે કામ કરે છે. બોર્ડે આખા ભારતમાં સારી ક્રિકેટ પ્રતિભા શોધવા માટે ‘સ્કાઉટ્સ’ રાખ્યા છે. આ સ્કાઉટ દેશભરમાં ફરીને સારા યુવા ક્રિકેટરોને શોધે છે. નાના-નાના શહેરોમાંથી પણ સારા ક્રિકેટરોને શોધીને તેમના અંડર-૧૬ અને અંડર-૧૯ માટે ટ્રાયલ્સ લેવામાં આવે છે. આ ટ્રાયલ માટે નાનાં નાનાં શહેરોમાં પણ કેમ્પ યોજાય છે. નાગાલેન્ડ, અરુણાચલ, મણિપુર, મેઘાલય અને સિક્કિમ જેવા ક્રિકેટ બહુ લોકપ્રિય નથી એવાં રાજ્યોમાં પણ ટ્રાયલ કેમ્પ યોજવામાં આવે છે. દરેક કેમ્પમાં પસંદ થયેલા ક્રિકેટરોને પછી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવે છે. એકેડમીમાં તેમને શ્રેષ્ઠ કોચના હાથ નીચે મૂકવામાં આવે છે કે જે ખેલાડીઓની ટેકનિક, સ્ટ્રેટેજી, માનસિક મજબૂતી અને લાઈફ સ્કિલ્સ પર કામ કરીને તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે લાયક બનાવે છે.
રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણ એ બે મહાન ભારતીય ક્રિકેટરોએ યુવા ક્રિકેટરોના ઘડતરમાં સૌથી મહત્વનું યોગદાન આપ્યું છે. ભારત ૨૦૧૨માં અંડર ૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું હતું પણ એ પછીના બે વર્લ્ડ કપમાં ભારતને સફળતા નહોતી મળી. રાહુલના માથે ૨૦૨૧માં ફરી ભારતને ફરી વર્લ્ડ કપ જીતાડી શકે તેવી ટીમ બનાવવાની જવાબદારી નખાઈ હતી.
રાહુલ એકદમ શિસ્તબધ્ધ ક્રિકેટર તરીકે જાણીતો છે. પોતાની કારકિર્દી દરમિયાન કોઈ પણ પ્રકારના વિવાદમાં નહીં ફસાયેલા રાહુલે શિસ્તની આદત એકેડમીમાં રહેતા ભારતીય યુવા ક્રિકેટરોમાં પણ નાખી. નેશનલ ક્રિકેટ એકેડમીમાં રાહુલે ક્રિકેટરો
આભાર – નિહારીકા રવિયા પાસે આકરી મહેનત કરાવી છે. સાથે સાથે ધીરજના પાઠ પણ ભણાવ્યા. યુવા બેટ્સમેનને ટાઈમિંગ અને શોટ સિલેક્શન પર ભાર મૂકવા તથા બોલરોને લાઈન-લેંથ જાળવીને બોલિંગ કરતાં તેણે શીખવ્યું. પેસ બોલરોને સ્વિંગની ખાસ તાલીમ આપી ને આ બધાં કારણોસર ભારત સારા યુવા ક્રિકેટરો પેદા કરી રહ્યું છે.
વૈભવ સૂર્યવંશી ભારત વતી પણ આવી જોરદાર સફળતા મેળવશે ?
વૈભવ સૂર્યવંશી માત્ર ૧૪ વર્ષનો છે પણ તેની સ્ફોટક બેટિંગે સૌને દંગ કરી દીધા છે. ક્રિકેટ વિશ્લેષકો વૈભવ સૂર્યવંશીને ભારતીય ક્રિકેટનું ભાવિ માને છે. તેમને લાગે છે કે, વૈભવ સૂર્યવંશી બહુ જલદી ભારતીય ક્રિકેટ ટીમ વતી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી શકે છે. આ ધારણા સાચી પડે ને વૈભવ સૂર્યવંશી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ આવી જબરદસ્ત બેટિંગ કરીને ભારતને વારંવાર જીતાડે એવી આશા રાખીએ. ભૂતકાળમાં અંડર ૧૯ વર્લ્ડ કપ વિજેતા ટીમના ઘણા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમ્યા છે પણ બહુ ઓછા ખેલાડીઓને અપેક્ષા રખાતી હતી એ પ્રમાણેની સફળતા મળી છે, બાકી મોટા ભાગના તક મળવા છતાં ચાલ્યા નથી અને ખોવાઈ ગયા છે. વૈભવ પહેલી કેટેગરીના ગણતરીના ખેલાડીઓમાં પોતાનું સ્થાન બનાવે એવું તમામ ક્રિકેટ ચાહકો ઈચ્છે છે.
ભારત વતી અંડર ૧૯ વર્લ્ડ કપમાં રમનારા જે ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં લાંબી રેસના ઘોડા સાબિત થયા છે તેમાં યુવરાજસિંહ, વિરાટ કોહલી, વિરેન્દ્ર સેહવાગ, મૌહમ્મદ કૈફ, હરભજનસિંહ, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા, અભિષેક શર્મા, અર્શદીપ સિંહ અને શુભમન ગિલ મુખ્ય છે. બીજા ઘણા ખેલાડી એવા છે કે જે ભારતીય ટીમમાં આવ્યા તો ખરા પણ બહુ ચાલ્યા નહીં. છેલ્લાં કેટલાંક વરસોમાં અંડર ૧૯ વર્લ્ડ કપ ટીમના વિજેતા બન્યા પછી ભારતીય ટીમમાં આવેલા પણ લાંબુ નહીં ચાલેલા ખેલાડીઓમાં સિધ્ધાર્થ કૌલ, હનુમા વિહારી, સંદીપ શર્મા, પૃથ્વી શો, રિયાન પરાગ, શિવમ માલી વગેરેનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં રિતિન્દરસિંહ સોઢી, અજય રાત્રા, અભિનવ મુકુંદ, મનિષ પાંડે, સૌરભ તિવારી, પાર્થિવ પટેલ, નરેન્દ્ર હિરવાણી, ઈરફાન પઠાણ, દિનેશ કાર્તિક, રોબિન ઉથપ્પા જેવા ક્રિકેટરો ભારતીય ટીમમાં આવ્યા પણ તેમનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી તેથી આવનજાવન ચાલુ રહી. ટીમમાં કાયમી સ્થાન ના બનાવી શક્યા પણ આવનજાવનના કારણે કારકિર્દી લાંબી ચાલી.
ભૂતકાળના બીજા ઘણા ક્રિકેટરો એવા છે કે જે અંડર ૧૯ વર્લ્ડ કપના હીરો હતા પણ આજે ક્યાં ખોવાઈ ગયા છે તે જ ખબર નથી. ૧૯૮૮માં પહેલો અંડર ૧૯ વર્લ્ડ કપ રમાયો ત્યારે ભારતની ટીમમાંથી રમેલા પ્રવિણ આમરે, સુબ્રતો બેનરજી, નરેન્દ્ર હિરવાણી, નયન મોંગિયા, વેંકટપતિ રાજુ વગેરે ખેલાડી ભારતીય ટીમમાં સ્થાન તો મેળવી ગયા પણ લાંબું ટકી ના શક્યા. રતિન્દર સોઢી, નીરજ પટેલ, શલભ શ્રીવાસ્તવ, મૃત્યુંજય ત્રિપાઠી, ઈશાન કિશન, રીષભ પંત સહિતના ક્રિકેટરો તો ભારતની વર્લ્ડ કપ જીતના હીરો હતા છતાં કોઈ તેમને યાદ નથી કરતું. સોઢી અને ઉન્મુક્ત ચંદ તો વિજેતા ટીમના કેપ્ટન હતા પણ ચંદને તો ભારત વતી રમવાની તક પણ ના મળી. વૈભવ સૂર્યવંશીના કિસ્સામાં એવું ના થાય એવી પ્રાર્થના કરીએ.














































