અમરેલી શહેર અને જેસીંગપરાને જોડતા વર્ષો જૂના અને જર્જરિત કામનાથ બ્રિજના નવનિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૨ કરોડની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. અમરેલીના ધારાસભ્ય અને રાજ્યના કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાની સક્રિય રજૂઆતના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી-જેસીંગપરા બ્રિજ આશરે ૭૦ વર્ષ જૂનો હોવાથી અત્યંત જર્જરિત હાલતમાં હતો, લોકસુવિધા અને સુરક્ષાને ધ્યાને રાખી મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ બાબતે ભારપૂર્વક રજૂઆત કરી હતી. સરકાર દ્વારા હવે રૂ. ૨૨ કરોડના ખર્ચે અહીં અતિઆધુનિક સબમર્સિબલ બ્રિજ બનાવવામાં આવશે. આ મંજૂરી બદલ મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ નવા બ્રિજના નિર્માણથી જેસીંગપરા વિસ્તારના રહીશો તેમજ અમરેલીવાસીઓની ટ્રાફિક અને અવર-જવરની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.









































