આજકાલ સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટનો જમાનો થઈ ગયો છે. બાળકો અને સગીરોને એ હદે ઘેલુ લાગ્યું છે કે વાત ન પૂછો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવતા ચકચાર મચી છે. ત્રણ સગીર બહેનોએ મોડી રાતે બિલ્ડિંગના ૯માં માળેથી મોતની છલાંગ લગાવી. ઘટના મધરાતે ૨.૩૦ કલાકની હોવાનું કહેવાય છે.
સગીરાઓ વિશે જે ચોંકાવનારી માહિતી સામે આવી છે તે હોશ ઉડાવે તેવી છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ ત્રણેય સગીર બહેનો એક ગેમિંગ એપની આદી થઈ ગઈ હતી. હંમેશા ઓનલાઈન ટાસ્ક બેસ્ડ કોરિયન લવર ગેમ રમતી હતી. પરંતુ ત્રણેય બહેનોએ એક સાથે આપઘાત કેમ કર્યો તે કારણ હજુ સામે આવ્યું નથી.
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ગાઝિયાબાદના પોલીસ મથક ટીલા મોડ વિસ્તારમાં ભારત સીટીમાં ઘટેલી આ ઘટના અંગે પોલીસનું કહેવું છે કે પરિજનોની પૂછપરછ ચાલુ છે. તેમના મોબાઈલ ફોન અને ડિજિટલ ગતિવિધિઓની પણ તપાસ થઈ રહી છે. મૃતક છોકરીઓની ઉંમર ૧૬ વર્ષ, ૧૪ વર્ષ અને ૧૨ વર્ષ છે. પોલીસે જણાવ્યું કે એક સ્યૂસાઈડ નોટ પણ મળી છે. જેમાં લખ્યું છે કે મમ્મી પપ્પા સોરી.
બીજી બાજુ સ્થાનિકોનું કહેવું છે કે ત્રણેય બહેનો રાતે એક સાથે ૯માં માળેથી કૂદી ગઈ. આવામાં કોઈ વસ્તુ નીચે પડવાનો અવાજ આવતા લોકો દોડીને ત્યાં પહોંચ્યા. નજારો ખુબ ડરામણો હતો. કારણ કે એક સાથે ત્રણ મૃતદેહો ત્યાં પડ્યા હતા. ખુબ લોહી વહેતું હતું. પરિજનો પણ ત્યાં પહોંચ્યા અને પછી પોલીસ પણ પહોંચી અને તરત મૃતદેહો કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.
શાલીમાર ગાર્ડન પોલીસ મથકના પોલીસ આયુક્ત અતુલકુમાર સિંહનું કહેવું છે કે રાતે લગભગ ૨.૧૫ કલાકે પીઆરવી દ્વારા માહિતી મળી. જે મુજબ ટીલામોડ પોલીસ ચોકી હદમાં ભારત સિટીમાં ટાવર બી-૧ ફ્લેટ નંબર ૯૦૭ની નવમા માળની બાલ્કનીમાંથી ત્રણ બાળકીઓ કૂદી, જેમના મોત થયા છે. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી તો ચેતનકુમારની બાળકીઓ જેમની ઉંમર ૧૬ વર્ષ , ૧૪ વર્ષ અને ૧૨ છે તેમના જમીન પર પડવાથી મોત થયા છે. તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.