કડીમાં ધોળા દિવસે ફિલ્મી ઢબે લૂંટની ઘટના સામે આવી હતી. જ્યાં નકલી પોલીસે વેપારીને ડરાવી લાખોની લૂંટ ચલાવી હતી. જાકે, કડી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ નકલીઓનો ખેલ ખતમ કરી નાખ્યો છે.
આ ઘટના છે મહેસાણાના કડી-છત્રાલ હાઈવે પરની. ૩૧ જાન્યુઆરીની સાંજે સુનિલ સોલંકી નામના ડ્રાઈવર પોતાની પીકઅપ ગાડીમાં કમલા અમૃત ઇન્ડસ્ટ્રીઝમાંથી એલ્યુમિનિયમ સ્ક્રેપ ભરીને નીકળ્યા હતા. અચાનક એક જ્યુપિટર સ્કૂટર પર બે શખ્સો આવ્યા અને ગાડી ઓવરટેક કરી ઊભી રખાવી. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને લાયસન્સ માંગ્યું. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ પાછળથી એક સફેદ ઇકો કાર આવી અને તેમાંથી વધુ બે શખ્સો ઉતર્યા. ચારેય જણાએ મળીને ડ્રાઈવરને ગાળો આપી, ગડદાપાટુનો માર માર્યો અને ધમકી આપી કે “ચાવી આપી દે, નહીંતર જાનથી મારી નાખીશું”.
ડરી ગયેલા ડ્રાઈવર પાસેથી બળજબરીથી ચાવી છીનવી લીધી અને ૩ લાખની કિંમતની સ્ક્રેપ ભરેલી પીકઅપ ગાડી લૂંટીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારને એમ કે આ અસલી પોલીસ છે, એટલે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા, પણ ત્યાં જઈને ખબર પડી કે તેમની સાથે તો મોટી છેતરપિંડી અને લૂંટ થઈ છે.
કડી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી ૨૫થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં જ્યુપિટર સ્કૂટર અને આરોપીઓની ઓળખ થઈ હતી. હાલ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને લૂંટમાં ગયેલી પીકઅપ ગાડી પણ રિકવર કરી લેવામાં આવી છે. બાકીના આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે. ખાખીના નામે રોફ જમાવતા આ આરોપીઓ હવે જેલના સળિયા પાછળ છે.








































