અમરેલી જિલ્લાના બાબર તાલુકાના કરિયાણા ગામે મૈત્રી કરાર કરીને રહેતા એક યુગલ પર યુવતીની માતાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. દીકરીએ યુવક સાથે મૈત્રી કરાર કર્યા હોવાની વાતનું મનદુઃખ રાખીને મહિલાએ યુવકનું માથું ફોડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.પ્રવિણભાઇ ઉર્ફે રવિ લાલજીભાઇ રાઠોડ (ઉ.વ.૨૩) એ કૈલાસબેન અશોકભાઇ જતાપરા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો અનુસાર, ફરિયાદી યુવકે તારીખ ૧૩/૧૧/૨૦૨૫ ના રોજ આરોપી કૈલાસબેન અશોકભાઈ જતાપરાની દીકરી ધ્રુવી સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ કરાર બાદ બંને સાથે રહેતા હતા. પોતાની દીકરી અન્ય યુવક સાથે રહે તે બાબત માતા કૈલાસબેનને મંજૂર નહોતી, જેનું તેઓ મનદુઃખ રાખી રહ્યા હતા.આ મનદુઃખને પગલે આરોપી કૈલાસબેને તેમને રસ્તામાં આંતરી બેફામ ગાળો આપી હતી. ઉશ્કેરાયેલી માતાએ યુવકને ધક્કો મારી પછાડી દીધો હતો અને ત્યારબાદ પથ્થરનો છૂટો ઘા યુવકના માથામાં માર્યો હતો. આ ઉપરાંત શરીરે ઢીકાપાટુનો મૂઢમાર પણ મારવામાં આવ્યો હતો.પોતાના સાથીને બચાવવા વચ્ચે પડેલી પુત્રી ધ્રુવીને પણ તેની માતાએ છોડી નહોતી. માતાએ પોતાની જ દીકરીને ગંદી ગાળો આપીને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. હુમલો કર્યા બાદ મહિલાએ આ બંનેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટી હતી.મૈત્રી કરારના મામલે પારિવારિક હિંસાની આ ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.







































