જામનગર ના જામખંભાળીયામાં એક પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપી, જ્ઞાતિના રિવાજો અને ઘરકામ બાબતે મેણાટોણા મારી પતિ દ્વારા ‘ત્રણ વાર તલ્લાક’ બોલી કાઢી મૂકવાની ઘટના સામે આવી હતી. આ મામલે પીડિતાએ સાસરી પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ અમરેલીમાં રહેતી તબરસુમબેન સરફરાજભાઇ શેખ (ઉ.વ.૩૦)એ જામખંભાળીયામાં રહેતા પતિ સરફરાજભાઇ સુલેમાનભાઇ શેખ, સાસુ સાયરાબેન સુલેમાનભાઇ શેખ, સસરા સુલેમાનભાઇ શેખ, અલીભાઇ, શાયમાબેન અલીભાઇ, શહેનાઝબેન ઇમરાનભાઇ, નણંદ સીમાબેન સુલેમાનભાઇ શેખ તથા નણંદ પરવીનબેન સુલેમાનભાઇ શેખ સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી વિગત મુજબ, ફરિયાદી મહિલાના નિકાહ તા. ૧૪/૧૨/૨૦૨૪ ના રોજ થયા હતા. નિકાહ બાદ ગત તા. ૨૮/૦૮/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન સાસરી પક્ષ દ્વારા પરિણીતાને સતત રંજાડવામાં આવતી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પરિણીતા જ્યારે નિકાહ કરીને સાસરે આવી ત્યારે તેની સાથે પિયરના ઘરની એક દીકરીને (રિવાજ મુજબ) સાથે લઈ ગઈ હતી. આ બાબતને મુદ્દો બનાવી તેમજ ઘરકામ વ્યવસ્થિત થતું નથી તેવા બહાના હેઠળ સાસરીયાઓ અવાર-નવાર મેણાટોણા મારતા હતા.પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ તેને ગાળો આપી, ઢીકાપાટુનો મુઢમાર મારી અસહ્ય શારીરિક અને માનસિક દુઃખ આપ્યું હતું. ત્રાસની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે પતિએ તમામ મર્યાદાઓ ઓળંગીને પરિણીતાને ‘ત્રણ વાર તલ્લાક’ બોલી નિકાહ તોડી નાખ્યા હતા. આ ગુનામાં સાસરી પક્ષના અન્ય સભ્યોએ પણ એકબીજાને મદદગારી કરી હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના પી આઈ જે .આર.સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.








































