અમરેલી જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમને વધુ અસરકારક બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય, પોલીસ અને શિક્ષણ વિભાગની સંયુક્ત ટીમે વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. તાજેતરમાં અમરેલી શહેરના નાગનાથ બસ સ્ટેન્ડ, લાઠી રોડ અને કોલેજ સર્કલ સહિતના વિસ્તારોમાં ૫૯ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાયદાના ભંગ બદલ ૧૪ કેસ નોંધી રૂ. ૨,૬૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મુખ્યત્વે જાહેર સ્થળોએ ધૂમ્રપાન, શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ ગજની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ અને પેકેટ પર ચેતવણીના અભાવ જેવા ગુનાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.