ગુજરાતના રાજકારણમાં નિરંતર બાજીને કારણે હંમેશા ચર્ચાસ્પદ રહેતા નર્મદાના ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના આપઁના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે સાંસદ મનસુખ વસાવા એક કાર્યક્રમમાં જાહેરમંચ પર ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ‘લુખ્ખા’ કહી સંબોધિત કરીને તેમની બોલતી બંધ કરવાની વાત કરતા આ વાત ખાસ ચર્ચાનો વિષય બની છે, જેના કારણે રાજકારણ પણ ગરમાયું છે,

આ વખતે વાત કાંઈક એમ છે કે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ‘વીબી જી રામજી યોજના’ અંતર્ગત એક વર્કશોપ યોજાયો હતો, જેમાં ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે આક્રમક તેવર બતાવ્યા છે. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ચૈતર વસાવાને ‘લુખ્ખો ધારાસભ્ય’ કહીને સંબોધતા રાજકીય ગરમાવો આવી ગયો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ચૈતર એન્ડ કંપની અને આમ આદમી પાર્ટીએ આખા નર્મદા જિલ્લાને ગુજરાતભરમાં બદનામ કરી દીધો છે.

સાંસદે ખાસ કરીને આદિવાસી ઓળખના મુદ્દે પ્રહાર કરતા જણાવ્યું કે, ચૈતર વસાવા અને તેમની ટીમ લોકોને ‘અબબ’ બોલાવીને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે કટાક્ષ કર્યો કે ગામમાં જે લુખ્ખા અને ડામીસ તત્વો હોય તે જ ‘અબબ’ કરે, અને આ ધારાસભ્ય પણ એવું જ કરી રહ્યા છે.

આટલું જ નહીં મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી માજી સાંસદની પુત્રી (રાઠવા બેન) પર ગંભીર પ્રહાર કર્યા હતા. સંબોધનોને પ્રોત્સાહન અપાતા મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, ‘રાઠવા બેન પણ ચૈતર વસાવાની જેમ અબબ જ કર્યા કરે છે, જો આનો વિરોધ કરવામાં નહીં આવે, તો તેઓ આખા સમાજને ખોટી દિશામાં લઈ જશે.’

વહીવટી મુદ્દાઓ પર વાત કરતા સાંસદે ઉમેર્યું કે, મનરેગા યોજનામાં ગેરરીતિની તપાસ ભાજપના નેતાઓની માંગણીને કારણે જ થઈ રહી છે. રેતી ખનન અને ખનીજ ચોરી બાબતે લેવાતી ફરિયાદોથી સરકારની આવકમાં વધારો થશે, પરંતુ આમ આદમી પાર્ટી માત્ર નકારાત્મકતા ફેલાવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ‘ચૈતર વસાવાની બોલતી બંધ કરાવવાની જરૂર છે,’ કારણ કે સ્થાનિક ધારાસભ્ય તરીકે જવાબદારી નિભાવવાને બદલે તેઓ લોકોને ગુમરાહ કરી રહ્યા છે.