ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા આયોજિત ‘નેશનલ સ્ટેમ ક્વિઝ ૪.૦’ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી છે. અમરેલી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આ ક્વિઝ એક ઐતિહાસિક સફર સમાન બની રહેશે, જેમાં તેઓ પોતાની બૌદ્ધિક ક્ષમતા સાબિત કરી કરોડોના ઈનામો જીતી શકશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત (ગુજકોસ્ટ) દ્વારા આયોજીત તથા જિલ્લા શિક્ષણાધિકારી મનોહરસિંહજી ગોહીલના સંપૂર્ણ માર્ગદર્શન તળે નેશનલ સ્ટેમ ક્વીઝ ૪.૦ નો તાલુકા/જિલ્લા કક્ષાનો (પ્રીલીમરી) ઓનલાઈન રાઉન્ડ તા.૧૬મી જાન્યુઆરી સવારના ૧૦-૩૦ થી તા.૨૧મી જાન્યુઆરી ૨૦૨૬ના સાંજના ૬-૦૦ ક્લાક દરમ્યાન યોજાશે. અમરેલી જિલ્લાના ધો.૯ થી ધો.૧૨ ના વિદ્યાર્થીઓ ઓનલાઈન એકઝામ આપી શકશે.
અમરેલી જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના ધો.૯ થી ધો.૧૨ ના વિદ્યાર્થીઓ જેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે તેવા વિદ્યાર્થીઓને રકમ રૂ.બે કરોડ સુધીના ઈનામો પ્રાપ્ત કરવાની અનેરી તક ગુજકોસ્ટ, ડી.એસ.ટી. ગર્વમેન્ટ ઓફ ગુજરાત દ્વારા પ્રદાન કરાઈ છે. અમરેલી જિલ્લાના ધો.૯ થી ૧૨ ના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉક્ત કવીઝમાં સહભાગી બને તેવો અનુરોધ કરાયો છે.





































