કરજણમાંથી સિક્યુરિટી ગાર્ડના સાહસ અને શૌર્યની એક મોટી ઘટના સામે આવી છે. કરજણ સ્થિત વીજ કચેરીમાં ચોરીના ઇરાદે ઘૂસેલા તસ્કરો પર સિક્યુરિટી ગાર્ડ વચ્ચે સામસામે જંગ ખેલાયો હતો. જ્યાં તસ્કરો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના જવાબમાં ગાર્ડે સ્વબચાવમાં ફાયરિંગ કરતા એક તસ્કર ઇજાગ્રસ્ત થયો છે, જ્યારે સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને કારણે બે ચોર ઝડપાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે તસ્કરોની એક ટોળકી કરજણ વીજ કચેરીની દીવાલ કૂદીને અંદર પ્રવેશ કરી હતી. કચેરીના કમ્પાઉન્ડમાં કિંમતી સામાનની ચોરી કરવાના ઇરાદે આવેલા તસ્કરો પર સિક્યુરિટી ગાર્ડની નજર પડતા તેણે તેઓને પડકાર્યા હતા. ચોરી કરવામાં નિષ્ફળ ગયેલા તસ્કરોએ પકડાઈ જવાના ડરથી સિક્યુરિટી ગાર્ડ પર ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બાદમાં તસ્કરો હિંસક બનતા અને સતત પથ્થરમારો કરતા સિક્યુરિટી ગાર્ડે હિંમત બતાવી હતી. દરમિયાન ગાર્ડે પોતાની બંદૂકમાંથી હવામાં અને ત્યાર બાદ તસ્કરો તરફ નિશાન સાધીને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં એક તસ્કરને ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થઈને ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. ગાર્ડની આ હિંમત જાઈને અન્ય તસ્કરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
પથ્થરમારા વચ્ચે પણ સિક્યુરિટી ગાર્ડે જરા પણ ડર્યા વિના સાહસ બતાવ્યો હતો અને બે તસ્કરોને તેણે સ્થળ પર જ દબોચી લીધા હતા. બાદમાં ઘટનાની જાણ થતાની સાથે જ કરજણ પોલીસનો કાફલો વીજ કચેરી ખાતે દોડી આવ્યો હતો. ત્યારે પોલીસે ઇજાગ્રસ્ત તસ્કરને સારવાર માટે હોÂસ્પટલ ખસેડ્યો છે અને પકડાયેલા અન્ય આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.
આ મામલે કરજણ પોલીસે હાલ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ તસ્કરો કોઈ મોટી ગેંગના સભ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. સિક્યુરિટી ગાર્ડની આ બહાદુરીને કારણે સરકારી મિલકત ચોરાતી બચી ગઈ છે અને ગુનેગારો પોલીસના સકંજામાં આવ્યા છે, જેની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.








































