કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતોના ઘટાડા અને માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર દર વર્ષે જાન્યુઆરીમાં ઉજવાતા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત અમરેલી જિલ્લામાં એ.આર.ટી.ઓ. કચેરી, અમરેલી દ્વારા વિવિધ જનહિતકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. રોડ સેફ્‌ટી કમિશનર, ગુજરાત તેમજ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તા. ૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમ્યાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત તા. ૦૬ને મંગળવારના રોજ અમરેલી શહેર તેમજ આસપાસના મુખ્ય માર્ગો પર વાહનચાલકો માટે હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરોગ્ય ચકાસણી સાથે સાથે ડ્રાઇવરોને રોડ સેફ્‌ટી અંગે માર્ગદર્શન, ટ્રાફિક નિયમોની સમજણ, તેમજ સાવચેતીપૂર્વક વાહન ચલાવવાના સંદેશા આપવામાં આવ્યા હતા. ઉપરાંત વિવિધ ટ્રાફિક શાખા તેમજ સિવિલ સર્જનના સહયોગથી ડ્રાઇવરો માટે આંખ, કાન, બ્લડપ્રેશર તથા અન્ય આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમ સહાયક વાહન વ્યવહાર અધિકારી, અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.