દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને ભરૂચના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આદિવાસી નેતા છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવા વચ્ચેના રાજકીય મતભેદો હવે જાહેરમાં આવ્યા છે. મંગળવારે મહેશ વસાવા વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા બાદ પિતા છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર એક સૂચક પોસ્ટ શેર કરી છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ બાદ છોટુભાઈ વસાવાએ પોતાની ફેસબુક અને ટીવટર (એકસ) પ્રોફાઇલ પર આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે કોઈનું નામ લીધા વગર નિશાન સાધતા લખ્યું કે “સત્તા માટે જે કદી પણ પોતાનો કબીલો બદલી શકે, તે નાસમજ સત્તા માટે પક્ષ બદલે એમાં નવાઈ શું?” છોટુભાઈની આ પોસ્ટમાં પુત્ર પ્રત્યેની નારાજગી અને રાજકીય મૂલ્યો પ્રત્યેનો તેમનો આક્રોશ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. વર્ષો સુધી જે પક્ષ અને વિચારધારા માટે લડ્યા, તેનાથી વિપરીત પુત્રના આ નિર્ણયને છોટુભાઈએ ‘કબીલો બદલવા’ સમાન ગણાવ્યો છે.

ભરૂચ અને નર્મદા પંથકમાં ‘વસાવા પરિવાર’નો દબદબો વર્ષોથી રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી બીટીપી અને પારીવારિક નિર્ણયોને લઈને પિતા-પુત્ર વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો. બીટીપીના સંચાલનને લઈને બંને વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. ગત ચૂંટણીઓ વખતે ટિકિટની ફાળવણી અને ગઠબંધન મામલે પણ મતભેદો સપાટી પર આવ્યા હતા. મહેશ વસાવાએ કોંગ્રેસનો હાથ પકડતા હવે આ તિરાડ કાયમી બની હોય તેવું લાગી રહ્યું છે.

મહેશ વસાવાના કોંગ્રેસમાં જોડાવાથી ભરૂચની બેઠક પર આગામી સમયમાં નવા સમીકરણો રચાશે. એક તરફ આપ-કોંગ્રેસનું ગઠબંધન છે, તો બીજી તરફ ભાજપનો મજબૂત ગઢ છે. આ સ્થિતિમાં છોટુભાઈ વસાવાની નારાજગી અને મહેશ વસાવાની નવી રાજકીય ઇનિંગ આદિવાસી મતોનું વિભાજન કરશે કે કેમ તે જોવું રહ્યું. છોટુભાઈ વસાવાની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયામાં તેમના સમર્થકો પણ બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો તેને પિતાનું દર્દ ગણાવી રહ્યા છે, તો કેટલાક તેને બદલાતા સમયનું રાજકારણ કહી રહ્યા છે.