રાજુલામાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ભારત સરકારના રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
એપીએમ ટર્મિનલ પીપાવાવ, જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ અમરેલી અને ગાયત્રી શક્તિપીઠના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ કેમ્પ ખાસ કરીને આર્થિક રીતે નબળા, અશક્ત અને ગરીબ વર્ગના દર્દીઓ માટે લાભદાયી બનશે. કેમ્પમાં આંખોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે તેમજ મોતિયાબિંદુના દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવશે.
ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓ માટે હોસ્પિટલમાં રહેવા, ભોજન, દવાઓ તથા આવન-જાવનની વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવશે. આ કેમ્પ ૧૧ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૮થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી ગાયત્રી શક્તિપીઠ, રાજુલા ખાતે યોજાશે. આયોજકોએ આસપાસના વિસ્તારોના નાગરિકોને આ સુવર્ણ તકનો લાભ લેવા અપીલ કરી છે.






































