કર્ણાટકના મંત્રી પ્રિયાંક ખડગેએ મંગળવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને દેશના વિકાસમાં સૌથી મોટો અવરોધ ગણાવ્યો. પ્રિયાંક ખડગેએ આરોપ લગાવ્યો કે તેમની સામે દાખલ કરાયેલા કાનૂની કેસ તેમણે સંગઠન વિશે ઉઠાવેલા પ્રશ્નોના જવાબ છે.
પ્રિયાંક ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક અખબારનો લેખ શેર કર્યો હતો, જેમાં અહેવાલ આપવામાં આવ્યો હતો કે RSS સભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી માનહાનિની ફરિયાદના સંદર્ભમાં એક ખાસ અદાલતે તેમને અને રાજ્યના અન્ય મંત્રી દિનેશ ગુંડુ રાવને નોટિસ ફટકારી છે.
ખડગેએ પોતાની પોસ્ટમાં આરએસએસ વડા મોહન ભાગવતના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે સંગઠન તેના સ્વયંસેવકોના દાનથી ચાલે છે. તેમણે આ દાવા પર સવાલ ઉઠાવ્યા અને સ્પષ્ટતા માંગી.
તેમણે કહ્યું, “લોકોનો એક પસંદ કરેલો જૂથ તેમની કઠપૂતળીઓનો ઉપયોગ અમારી સામે કેસ દાખલ કરવા માટે કરી રહ્યો છે કારણ કે અમે RSS વિશે વાજબી પ્રશ્નો ઉભા કરી રહ્યા છીએ. આરએસએસ રાષ્ટ્રના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે.” તેમણે પ્રશ્ન કર્યો, “મોહન ભાગવતે કહ્યું છે કે આરએસએસ તેના સ્વયંસેવકોના દાનથી ચાલે છે. જા કે, આ દાવો અનેક વાજબી પ્રશ્નો ઉભા કરે છેઃ આ સ્વયંસેવકો કોણ છે અને તેમને કેવી રીતે ઓળખવામાં આવે છે? દાનની માત્રા અને પ્રકૃતિ શું છે? આ દાન કઈ પદ્ધતિઓ અથવા ચેનલો દ્વારા પ્રાપ્ત થાય છે?”
તેમણે આગળ પ્રશ્ન કર્યો, “જા આરએસએસ પારદર્શક રીતે કાર્ય કરે છે, તો તેની પોતાની નોંધાયેલ ઓળખ હેઠળ સંસ્થાને સીધા દાન કેમ આપવામાં આવતું નથી? આરએસએસ રજિસ્ટર્ડ સંગઠન ન હોવા છતાં તેનું નાણાકીય અને સંગઠનાત્મક માળખું કેવી રીતે જાળવી રાખે છે? પૂર્ણ-સમયના પ્રચારકોના પગાર કોણ ચૂકવે છે અને સંગઠનના નિયમિત સંચાલન ખર્ચ કોણ પૂર્ણ કરે છે? મોટા પાયે કાર્યક્રમો, ઝુંબેશો અને જનસંપર્ક પ્રવૃત્તિઓને કેવી રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે?”
કોંગ્રેસ નેતાએ એમ પણ પૂછ્યું, “જ્યારે સ્વયંસેવકો સ્થાનિક કચેરીઓમાંથી ગણવેશ અથવા અન્ય સામગ્રી ખરીદે છે, ત્યારે આ ભંડોળ ક્યાંથી ખર્ચવામાં આવે છે? સ્થાનિક કચેરીઓ અને અન્ય માળખાગત સુવિધાઓ જાળવવાનો ખર્ચ કોણ ઉઠાવે છે? આ પ્રશ્નો પારદર્શિતા અને જવાબદારીના મૂળભૂત મુદ્દાને પ્રકાશિત કરે છે. રાષ્ટ્રીય સ્તરે આટલી વ્યાપક હાજરી અને પ્રભાવ હોવા છતાં,આરએસએસ હજુ પણ કેમ નોંધાયેલું નથી? જ્યારે ભારતમાં દરેક ધાર્મિક અથવા સખાવતી સંસ્થા માટે નાણાકીય પારદર્શિતા ફરજિયાત છે, ત્યારે આરએસએસ માટે આવી જવાબદારી વ્યવસ્થાનો અભાવ કેવી રીતે વાજબી છે?”