રાજુલામાં પોલીસ સ્ટેશન ખાતે અમરેલી જિલ્લાના પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એક વિશેષ અને ઐતિહાસિક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક દરબાર સાથે અનેક જનહિતલક્ષી કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પોલીસ વડા દ્વારા રાજુલા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજુલા શહેરની આર. કે. સાયન્સ સ્કૂલ ખાતે ધોરણ ૬થી ૧૨ની વિદ્યાર્થીનીઓ સાથે વિશેષ સંવાદ યોજાયો. આ સંવાદ દરમિયાન “અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ” અંતર્ગત મિશન સ્માઈલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગેની મહત્વપૂર્ણ સમજ રાજુલા પોલીસની મહિલા ટીમના હેતલબા ધાખડા અને ધીરજબા ભાટી દ્વારા ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે આપવામાં આવી, જેથી વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ ફેલાઈ. આ પ્રસંગે એસ.પી. સંજય ખરાતે પણ વિદ્યાર્થિનીઓને જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગોમાં પોલીસ તમારી સાથે છે અને નિર્ભય બનીને આગળ આવવા માટે પ્રોત્સાહન આપ્યું.એસ.પી. દ્વારા છતડીયા ગામની પંચાયતની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં સી.સી.ટીવી કેમેરાની સંપૂર્ણ વ્યવસ્થા જોઈ આનંદ વ્યક્ત કર્યો. રાજુલા પોલીસ સ્ટેશનના પટાંગણમાં યોજાયેલ લોકદરબારમાં શહેરના અગ્રણીઓ, વેપારીઓ, વરિષ્ઠ નાગરિકો, સામાજિક કાર્યકરો તથા તાલુકાના તમામ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.