આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. અને ભારતની અંદાજે ૭૨ ટકા વસ્તી એક અથવા તો બીજી રીતે તેમના પર જ પોતાનો જીવન નિર્વાહ ચાલાવે છે, ત્યારે જો ઉભા પાકમાં કોઈ રોગ કે જીવાત દ્વારા પાકને નુકસાન થાય તે પહેલા તેમનું યોગ્ય નિવારણ કરવું અતિ આવશ્યક છે, સામાન્ય રીતે ખેતીમાં મુખ્યત્વે બે પરિબળોને કારણે રોગ અ‍ને જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે.
૧) જૈવિક પરિબળો:- આ રોગો સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે યજમાન છોડ ઉપર કોઈ જીવંત સજીવ દ્વારા આક્રમણ કરવામાં આવે છે. મોટા ભાગના આ સજીવોમાં સુક્ષ્મ જીવાણુઓ જેવા કે ફૂગ, જીવાણુ, વિષાણુ અને કૃમિ છે, અને તે પરોપજીવીઓ તરીકે પણ ઓળખાય છે જે છોડ પર હુમલો કરે છે.
૨) અજૈવિક પરિબળો:- આ રોગો સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે યજમાન છોડમાં જીરુંરી પોષકતત્વોની ઉણપ હોય, જમીનમાં પૂરતા ભેજનો અભાવ અથવા માટીમાં વધુ ભેજનું પ્રમાણ, ખૂબ ઓછું અથવા ખૂબ ઉચ્ચ તાપમાન અને હવામાંનું પ્રદૂષણ જેવા પરિબળો મુખ્યત્વે ભાગ ભજવે છે.
ખેતીપાકોના ઓછા ઉત્પાદન માટે અસર કરતા વિવિધ અજૈવિક પરિબળો એક અગત્યનું નિર્ણાયક પરિબળ છે, સામાન્ય સંજોગોમાં રોગોનું પ્રમાણ નહિવત હોય છે, પરંતુ સાનુકૂળ હવામાન મળતા તેનું પ્રમાણ ખૂબ જ જડપથી વધી જતું હોય છે, રોગ-જીવાતની તીવ્રતાનું પ્રમાણ હવામાનના વિવિધ પરિબળો (તાપમાન, સાપેક્ષ ભેજ, વરસાદ, પવન, બાષ્પદાબ વગેરે) ઉપર આધાર રાખે છે.
આ બધા અજૈવિક પરિબળો પૈકી તાપમાન અને સાપેક્ષ ભેજની અસર રોગ-જીવાત પર વધારે પ્રમાણમાં થતી હોય છે, જ્યારે વરસાદ, પવન, ખેત-ઓજારો અને માણસ જેવા પરિબળો રોગને ફેલાવવામાં મદદ કરે છે. ખેડૂતો પણ જે તે પાક સાથે ઘણા સમયથી સંકળાયેલા હોય છે અટલે પોતાના લાંબાગાળાના અનુભવના આધારે જે તે પાકમાં રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળશે કે કેમ તેની શક્યતા /સંભાવના અંગે પ્રાથમિક જાણકારી મેળવી શકે છે. ખાસ કરીને પાકમાં નુકસાન કરતી જીવાતો કરતા રોગની તીવ્રતા પર હવામાનની અસર વધુ થતી હોય છે.
ખેતી પાકમાં જોવા મળતા મોટા ભાગના રોગ હવામાનના અમુક ચોક્કસ પરિબળ પર વધારે આધાર રાખે છે, હવામાનના વિવિધ પરિબળો પૈકી સાપેક્ષ ભેજ અને વાદળછાયુ વાતાવરણ રોગની તીવ્રતા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલા છે, બાજરીના પાકમા કુતુલ તેમજ અન્ય પાકોમાં પાનનો તળછારોનો રોગ સામાન્ય રીતે વધુ પડતા ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે.
જુવારના ડુંડામાં દાણાની ફુગ કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણમાં ખુબ જ ઝડપથી ફેલાય છે. બાજરી અને ઘઉંના પાકમાં ગેરૂને હુંફાળુ અને ભેજવાળુ વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. ઘઉંના દાણા પર થતો કાળી ટપકીનો રોગ વધુ પડતા ઝાકળ અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. તમાકુનો લાલ ટપકાનો (લાલ ચાચડી) રોગ ઝાકળ વધારે પડે તેમ વધુ ફેલાય છે. ખેતી પાકોમાં જોવા મળતા ભૂકીછારાના રોગ માટે સૂકું અને ઢંડુ વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. જ્યારે શેરડીના પાકમાં ચાબુક અંગારિયો અને આંજીયા માટે સૂકું અને ગરમ હવામાન વધુ અનુકૂળ આવે છે, જીરુંના પાકમાં કાળીયો/ચરમી રોગ વાદળછાયા અને ધુમ્મસ વાળા વાતાવરણમાં અતિ ઝડપથી ફેલાય છે, માવઠું થાય તો જીરુંનો પાક સદંતર નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે. વાતાવરણ વાદળછાયુ હોય ત્યારે અગમચેતીના પગલારૂપે મેંન્કોજેબનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. ડાંગરના પાકમાં ફુલ અવસ્થાએ સતત ઝરમર વરસાદ હોઇ ત્યારે અથવા તો વાદળછાયુ ગરમ ભેજ વાળુ વાતાવરણ હોય ત્યારે
કંટકીમા ગલત આનજીયાનો રોગ આવવાની શક્યતા રહે છે. પવનની ગતિ પણ કેટલાક રોગોના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે. બાજરીનો ગુંદરીયો (અરગટ), ઘઉંનો ગેરુ અને બીજા કેટલાક ફુગજન્ય રોગોમાં ફુલના બીજાણુ પવન મારફતે દુર સુધી ફેલાતા હોય છે. આમ ઉપરોક્ત બાબત પરથી ફલીત થાય છે કે, પાકમાં રોગોની વધઘટ અને ફેલાવો / પ્રસરણ માટે હવામાનના વિવિધ પરિબળો સંકળાયેલા છે. આવા સંજોગોમાં હવામાનના વિવિધ પરિબળો વિશે ખેડૂતોને પ્રાથમિક જાણકારી હોવી ખાસ જીરુંરી છે.