માનવતાને શર્મસાર કરતી અને લોહીના સંબંધો પરથી વિશ્વાસ ઊઠી જાય તેવી એક ઘટના દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કલ્યાણપુરા ગામે બની છે. જ્યાં એક નરાધમ કુટુંબી ભાઈએ પોતાની જ ૧૩ વર્ષની સગીર બહેનને બહાનેથી બહાર જંગલમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી નરાધમની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી મુજબ, સંજેલી વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય બાળકીને તેના મામાના ઘરે જવાનું હતું. આ સમયે તેના જ કુટુંબી ભાઈએ પરિવારને વિશ્વાસમાં લીધો હતો અને પોતે બહેનને સુરક્ષિત રીતે મૂકી આવશે તેવું કહી પોતાની સાથે લઈ ગયો હતો. પરંતુ, રસ્તામાં નરાધમ ભાઈની દાનત બગડી હતી. તે બાળકીને મામાના ઘરે લઈ જવાને બદલે કલ્યાણપુરા ગામના જંગલમાં આવેલા ડુંગર પર લઈ ગયો હતો. જ્યાં નિર્જન જગ્યાનો લાભ લઈ તેણે માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું.

બાદમાં નરાધમ ભાઈના ચુંગાલમાંથી બચવા માટે પીડિત બાળકીએ જારજારથી બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે બાળકીનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ડુંગર પર દોડી આવ્યા હતા, જાકે લોકોની ભીડ જાઈ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો, જ્યારે સ્થાનિકોએ બાળકીને બચાવી પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતાને જાતા સંજેલી પોલીસ એક્શનમાં આવી હતી અને પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, ત્યારે પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ગણતરીના કલાકોમાં જ નરાધમ આરોપીને દબોચી લીધો હતો.

આ અંગે વધુમાં પીઆઇ જી.બી. પરમારે જણાવ્યું કે, “સંજેલી પોલીસ સ્ટેશનમાં આ મામલે શારીરિક અડપલાં અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને પીડિતાને તબીબી પરીક્ષણ માટે મોકલી કાયદેસરની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.” આમ હાલ લોહીના સંબંધો લજવાયા સમાન કિસ્સો દાહોદમાંથી સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખડભડાટ મચ્યો છે.