અમરેલીમાં જાણીતી મ્યુઝિક કંપની ‘ટી-સીરીઝ’ના કોપીરાઈટ હક્કોનું ઉલ્લંઘન કરી, પરવાનગી વગર ફિલ્મી ગીતોનો વ્યવસાયિક ઉપયોગ કરવા બદલ એક શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે ઓપરેશન હાથ ધરી અંદાજે ૯૦ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીમાં આવેલી એક વીડિયો એડિટિંગની દુકાનમાં ‘સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લીમીટેડ’ કંપનીના માલિકી હક્ક ધરાવતી ફિલ્મોના ઓડિયો ગીતોનો બિનઅધિકૃત રીતે ઉપયોગ થતો હોવાની માહિતી મળી હતી. આરોપી કોઈ પણ જાતના લાયસન્સ કે લેખિત પરવાનગી વગર પોતાના કોમ્પ્યુટર ઉપકરણોની મદદથી પ્રી-વેડિંગ અને લગ્ન પ્રસંગના વીડિયો શૂટિંગના ડેટામાં આ ગીતોનો ઉપયોગ કરતો હતો. જેને લઈ અમદાવાદમાં રહેતા આશીષ ગૌતમભાઇ ભટ્ટ (ઉ.વ.૪૦) એ અમરેલીમાં રહેતા પિયુષભાઈ કનુભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી આ ગીતોનો ઉપયોગ કરવા ઉપરાંત તેનો ડેટા બેકઅપ પણ રાખતો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન દુકાનમાંથી ગુનામાં વપરાયેલા કોમ્પ્યુટર સહિતના ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કુલ કિંમત આશરે રૂ. ૯૦ હજાર આંકવામાં આવી હતી. કંપનીના કોપીરાઈટનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કરી રહી છે.



































